1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા
ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા

ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા

0
Social Share
  • હડતાળ પર ઉતરેલા 10,000 કર્મચારીઓને નોટિસ ફટકારી
  • હડતાળના 10માં દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
  • પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા કર્મચારીઓ મક્કમ

ગાંધીનગરઃ રાજ્યના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સરકારે હડતાળીયા કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામીને પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગરુપે આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે.  આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. 

રાજ્યના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ મક્કમ રહ્યા છે. બીજી તરફ સરકારે 2000 જેટલાં આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. સાથે જ 10 હજારથી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી છે. સરકારના આ વલણ સામે કર્મચારીઓ રોષે ભરાયા છે. છેલ્લા દસ દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ ડેરા-તબું તાણ્યા છે. ગઈકાલે સાંજે હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્ડલ માર્ચ યોજી અનોખો વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો દસમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા દશ દિવસથી હડતાળ પર ઉતરેલા ગાંધીનગર જિલ્લાના 284 આરોગ્ય કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારી છે, જ્યારે સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહીં કરેલા અને હડતાળમાં જોડાયેલા 8 કર્મચારીને ફરજમાંથી છૂટા કરાયા છે. હડતાળ પરના 276 કર્મચારીને ચાર્જશીટ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code