- ઘઉં, જીરૂ અને રાઈના વાવેતરમાં પણ વધારો,
 - સૌથી વધુ 59301 હેકટર વિસ્તારમાં ચણાનું વાવેતર,
 - સમી, રાધનપુર અને સાંતલપુરમાં જીરાનું સૌથી વધુ વાવેતર
 
પાટણઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં ચાલુ શિયાળુ રવિ વાવેતરમાં પિયત ઘઉં, ચણા, રાઈ અને જીરું જેવા પાકોનું મબલખ વાવેતર થયુ છે. જિલ્લા ખેતીવાડી કચેરીના આંકડા મુજબ પાટણ જિલ્લામાં કુલ 2,31,421 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયુ છે. જિલ્લામાં અત્યારે શિયાળુ રવિ પાકના વાવેતરમાં સૌથી વધુ 59301 હેકટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે, જયારે 35190 હેકટરમાં પિયત ઘઉં, 41955 હેકટરમાં જીરું તેમજ 24691 હેકટર વિસ્તારમાં રાઈનું વાવેતર કરાયુ છે.
પાટણ જિલ્લામાં કેનાલો દ્વારા સિંચાઈનો લાભ મળ્યા બાદ કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રવિ સિઝનમાં મુખ્યત્વે ઘઉં, જીરું, ચણા, રાઈ જેવા પાકોનું વાવેતર થતું હોય છે. એમાં પણ ખાસ કરીને જિલ્લાના સમી અને શંખેશ્વર વિસ્તારમાં ચણા અને સમી, રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં જીરુંનું વાવેતર મોટાપાયે થતું રહ્યું છે. જિલ્લામાં શિયાળુ પાક વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ જોતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં 6000 હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉં નું વાવેતર થયુ છે, જ્યારે રાધનપુર પંથકમાં 4965 હેક્ટર અને પાટણ પંથકમાં. 4014 હેક્ટરમાં ઘઉં વાવેતર થયુ છે. જિલ્લાના સાંતલપુર તાલુકામાં 27240 હેક્ટરમાં જીરાનું વાવેતર કરાયુ છે. ઉપરાંત રાધનપુર પંથકમાં પણ 8285 હેક્ટરમાં જીરાનું વાવેતર થયુ છે. ચણાની વાત કરવામાં આવે તો જિલ્લાના સમી તાલુકા પંથકમાં 33400 હેક્ટરમાં અને શંખેશ્વર વિસ્તારમાં 21020 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે. રાઈના વાવેતર ની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરસ્વતી તાલુકા વિસ્તારમાં. 6500 હેક્ટર અને પાટણ તાલુકા વિસ્તારમાં 4291 હેક્ટર વિસ્તારમાં રાઈ નું વાવેતર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ચાણસ્મા પંથકમાં 3150 હારીજ પંથકમાં 3250 સાંતલપુર તાલુકામાં. 2805 હેક્ટરમાં અને સિધ્ધપુર પંથકમાં 2200 હેક્ટરમાં રાઈનું વાવેતર કરાયુ છે. પાટણ જિલ્લામાં મુખ્ય શિયાળુ પાકો ઉપરાંત 6432 હેક્ટરમાં તમાકુ, 4820 હેક્ટરમાં ઇસબગુલ, 9817 હેક્ટરમાં સવા તેમજ 31339 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત 10379 હેક્ટરમાં અજમો પણ વવાયો છે. જોકે, જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, હારીજ પંથકમાં ખેડૂતો દ્વારા બટાટાનું પણ વાવેતર કરાયું છે. વળી, જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 130 હેક્ટરમાં ડુંગળીનું પણ વાવેતર કરાયુ છે. હાલમાં શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની માંગ વધુ રહેતી હોઇ લીલું લસણ પણ ખેડૂતો દ્વારા વવાયું છે જ્યારે 1957 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. જોકે, પાટણ પંથકમાં શિયાળામાં લાલચટક ગાજરનું ઉત્પાદન મોટાપાયે થતું રહ્યું છે પરંતુ હાલમાં અત્યારની સ્થિતિએ પાટણ પંથકમાં 297 હેક્ટરમાં ગાજરનું વાવેતર થયુ છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

