1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપી લોકોને ઠગતા 4 આરોપી પકડાયા
શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપી લોકોને ઠગતા 4 આરોપી પકડાયા

શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપી લોકોને ઠગતા 4 આરોપી પકડાયા

0
Social Share
  • પકડાયેલા ચારેય આરોપીઓના 61 બેન્ક એકાઉન્ટ મળ્યા
  • ચારેય યુવાનો સામે દેશભરમાં સાયબરફ્રોડની ફરિયાદો થઈ હતી
  • આરોપીઓ હવાલાથી દૂબઈ રૂપિયા મોકલતા હતા

અમદાવાદઃ લોકો વધારે વળતરની લાલચમાં ઠગની વાતોમાં ફસાઈને આખરે રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. શેરબજારમાં સારૂ વળતર મળશે, ગોલ્ડમાં રૂપિયા રોકશો તો વર્ષમાં ડબલ થઈ જશે, એવી લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતાં ચાર શખસોને પોલીસે દબોચી લીધા છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જૈમીન ઠક્કર દુબઈમાં છે. પકડાયેલા ચારેય આરોપી પાસેથી 61 બેંક એકાઉન્ટ મળ્યાં હતાં. તેમાંથી 36 બેંક એકાઉન્ટ સામે દેશભરમાં સાઇબર ફ્રોડની ફરિયાદો થઈ ચૂકી હતી. આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરી હવાલા અને આંગડિયાથી પૈસા દુબઈ મોકલતા હતા, આરોપીઓ  ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ફરિયાદીઓને સમજાવીને પૈસા આપીને અનફ્રીઝ પણ કરાવતા હતા.

અમદાવાદ શહેરમાં ઝોન – 7 એલસીબીની ટીમે લોકો સાથે ઠગાઈ કરતા આરોપી સ્નેહલ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ દહિયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 61 બેંક ખાતાં ડેબિટ કાર્ડ, ચેકબુક, પાસબુક તેમ જ ત્રણ કાર્ડ સ્વાઇપ કરવાનાં મશીન, 29 સીમ તેમ જ પાંચ પ્રોપરાઇટરના નામના સ્ટેમ્પ મળી આવ્યા હતા. આ 61 બેંક ખાતાંમાં સાત મહિનામાં રૂ.50 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હતાં. તેમાંથી 36 બેંક એકાઉન્ટ એવાં હતાં કે તે એકાઉન્ટ નંબર સામે દેશભરમાં સાઈબર ફ્રોડની ફરિયાદો થઈ હતી. તેમાં રૂ.33 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા.

પોલીસને આરોપીની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે,  જે બેંક એકાઉન્ટનો ઉપયોગ સાઇબર ક્રાઇમમાં થયો હોય તેવા એકાઉન્ટ પોલીસ ફ્રીઝ કરાવી દે છે. આવા એકાઉન્ટની માહિતી સ્નેહલ અને ચિરાગ મેળવી લેતા હતા અને એકાઉન્ટ ધારકનો સંપર્ક કરી તેને કેસ પાછો ખેંચી દેવાનું કહીને તેમ જ પૈસા આપીને એકાઉન્ટ અનફ્રીઝ કરાવી દેતા હતા. ત્યાર બાદ તેવા જ એકાઉન્ટનો ઉપયોગ ફરી વખત છેતરપિંડીના પૈસા લેવા માટે કરવામાં આવ્યો હતો.

શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપીને ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓમાં પોલીસ હજુ સુધી મુખ્ય આરોપીને પકડી શકી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેના આરોપીઓ ચીન કે દુબઈમાં બેઠા છે. આ ઘટનામાં પણ પૈસા પડાવનારો મુખ્ય આરોપી જૈમીન ઠક્કર દુબઈમાં હોવાથી પોલીસના હાથમાં આવ્યો નથી કે છેતરપિંડીમાં ગયેલા પૈસા મળ્યા નથી. માત્ર બેંક એકાઉન્ટ ખોલાવનારા અને સીમ ખરીદનારા પકડાયા છે. 50 કરોડમાંથી કેટલાક પૈસા સ્નેહલે એટીએમ કાર્ડથી તો કેટલાક ચેકથી ઉપાડ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code