1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના 4 શખસો પકડાયા, 6 બાઈક જપ્ત
સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના 4 શખસો પકડાયા, 6 બાઈક જપ્ત

સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના 4 શખસો પકડાયા, 6 બાઈક જપ્ત

0
Social Share

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: અમદાવાદ સહિત મહાનગરોમાં માત્ર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખશોને નારોલ પોલીસે ઝડપી લીધા છે. અને ચારેય શખસો પાસેથી રૂપિયા 10.50 લાખની કિંમતના 6 સ્પોર્ટ્સ બાઈક પણ કબજે કરાયા છે. પોલીસની પૂછતાછમાં એવી વિગતો મળી છે કે, આરોપીઓ રાજસ્થાનથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવીને અલગ અલગ શહેરોમાં જતા હતા. અને સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરીને રાજસ્થાન ખાતે લઈ જઈ અને ત્યાં ફેરવતા હતા. બાઈકચોર આરોપીઓ પકડાતા નારોલ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના, ભરૂચ સીટીના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક, અને રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનનો એક ગુનો મળી કુલ પાંચ વાહન ચોરીના કેસોનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી તાજેતરમાં ત્રણ સ્પોર્ટ્સ બાઈક ચોરી થવાના બનાવ બન્યા હતા. જેને લઈને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સ્પોર્ટ્સ બાઈકની ચોરીના ગુનામાં ગુજરાત બહારની ગેંગ એક્ટિવ છે. આ માહિતીના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રાજસ્થાનના હોવાની હકીકત ખુલતા પોલીસ રાજસ્થાન તપાસ માટે પહોંચી હતી.

નોરોલ પોલીસે બાઈકચોરીના કેસમાં રાજસ્થાનના બાંસવાડામાં રહેતા જયેશ ડામોર, નિલેશ પારગી, રાહુલ પટેલ અને સુનીલ ભુરીયાની ધરપકડ કરી છે. અમદાવાદ ખાતે લાવીને આરોપીઓની પૂછપરછ કરતા નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 3 સ્પોર્ટ્સ બાઈક ચોર્યાની કબુલાત કરી છે. આ ઉપરાંત ભરૂચ અને રાજકોટ શહેરમાંથી 3 સ્પોર્ટ્સ બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ચોરી થયેલા તમામ 6 સ્પોર્ટ્સ બાઈક રીકવર કર્યા છે. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈક ચોરી કરીને તેમના ગામમાં લઇ જતા અને ગામમાં પોતે બાઈક લઈને ફરતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ બીજા કોઈ બાઈક ચોર્યા છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code