
- અકસ્માતમાં ત્રણ બાળકોની હાલત ગંભીર
- મૃતદેહ કાઢવા માટે બોલેરાના પતરા કાપવા પડ્યા
- અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગઈકાલે સાંજના સુમારે અમીરગઢના ખૂણિયા ગામ નજીક હાઈવે પર રાજસ્થાન પરિવહનની એસટી બસ અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં પતિ-પત્ની અને 2 સંતાન સામેલ છે. આ દુર્ઘટનામાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં ત્રણ બાળકોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં મૃતદેહો બહાર કાઢવા માટે બોલેરોનાં પતરાં તોડવા પડ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન પરિવહનની એસટી બસ અને બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં બોલેરોમાં પ્રવાસ કરી રહેલા 5નાં મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ બાળકોની ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ 15 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવની જાણ થતાં 108 અમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના વતની છે. મૃતકોમાં દિલીપ મુંગળા ખોખરીયા (ઉં.વ. 32), મેવલીબેન દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 28), રોહિત દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 6), ઋત્વિક દિલીપભાઈ ખોખરીયા (ઉં.વ. 3), અને સુંદરીબેન ભગાભાઈ સોલંકી(ઉં.વ. 60)નો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. અમીરગઢ પોલીસે અકસ્માતનાં કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.