- 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે
- સોલાર રૂફટોપ લગાવીને નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો
- ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી 50 ટકા પૂર્ણ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ સૂર્ય ઘર, મફત વીજળી યોજના’ હેઠળ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે.
ગુજરાતમાં હાલમાં ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, 6 કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.2950ની સહાય તથા 6 કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.
આ યોજનામાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપનમાં અગ્રેસર જીલ્લાઓમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને જુનાગઢનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ, ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત આયોજન અને સરળ પ્રક્રિયાઓ ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી વેચાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ ધરાવતા રહેણાંક ગ્રાહકો માટે બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી, જેના કારણે નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ વગર સરળતાથી યોજનાનો લાભ મળી રહ્યો છે.


