
- ટોલનાકાના 20 કિમીમાં આવતા ગામોના લોકોને ટોલમુક્તિ આપવા માગ,
- ટોલનાકા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા,
- કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર- આબુરોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા સામે આજુબાજુના ગામોના સ્થાનિક લોકોએ ટોલ ટેક્સ વસુલાત સામે મોરચો માંડ્યો છે. ખેમાણા ટોલ પ્લાઝા આસપાસના 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસુલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ટોલમાંથી મૂક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો ભેગા થતાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાલનપુર- આબુરોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા સામે આજુબાજુના ગામોના સ્થાનિક ખેડૂતો ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ સાથે હેબતપુરા પાટીયા પાસે ભેગા થયા હતા. જ્યાંથી રેલી સ્વરૂપે ટોલનાકા સુધી પહોંચ્યા હતા અને ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરી હતી. સ્થાનિક ગ્રામજનોના કહેવા મુજબ ટોલ પ્લાઝાના વિરોધમાં આજે પાંચ હજારથી વધુ ખેડૂતો ભેગા થયા છીએ. આ ટોલનાકુ 10 કિં.મી. દુર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મૂક્તિ આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. ખેડૂતોએ રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટી મેટમ આપ્યું છે. જો 15 દિવસમાં આનું કઇ નિવારણ નહીં આવે તો ખેડૂતો ટ્રેક્ટરો અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં કરશે.