- સરખેજ ફતેવાડીમાં આવેલા ધોળકા જવાનો એક બાજુનો રોડ સાવ બેસી ગયો,
- રોડ પર ઠેર ઠેર ખાડા અને ખાડા કાદવ કીચડના કારણે વાહનચાલકો પરેશાન,
- રોડનુ સમારકામ વહેલી તકે કરવા લોકોમાં માગ ઊઠી
અમદાવાદઃ શહેરના સરખેજના ફતેવાડીથી ધોળકા જતા રોડ પર ભૂવો પડતા 6 વાહનો ભૂવામાં ખાબક્યા હતા. વાહનચાલકોએ મહામહેનતે રોઢ પર પડેલા ઊંડા ખાડામાંથી વાહનો બહાર કાઢ્યા હતા. સરખેજ ફતેવાડીથી ધોળકા જતો એક બાજુનો રોડ સાવ બેસી ગયો છે. અહીં ભુવો એવો પડ્યો છે કે આ રસ્તેથી નીકળતા મોટા વાહનો સીધા ખાડામાં ખાબકે છે. કોઈ મોટી દૂર્ઘટના ન સર્જાય તે માટે રોડ પર ત્વરિત સમારકામ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી નજીક ધોળકા તરફ જતા રોડ પર ટ્રક, ટેમ્પો કે આઈસર કોઈપણ ભારે વાહનો આ રસ્તા પરથી પસાર થાય એટલે સીધા જ ખાડામાં ખાબકે છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓને લીધે ભારે ટ્રાફીક થાય છે. આસપાસના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાદવ કીચડના કારણે રાહદારીઓને ઘણી તકલીફ થાય છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ આ સમસ્યા છેલ્લા બે-ત્રણ મહીનાથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરેલી છે પરંતુ હજી સુધી કંઈ કામ કાજ થયું નથી. ફક્ત થીગડા મારીને જતા રહે છે અને ફરી પાછું કોઈ મોટું વાહન નીકળે એટલે મસમોટો ખાડો પડી જાય છે અને ભારે વાહનો રોડમાં સમાય જાય છે. કોઈ અધિકારી કે નેતા જોવા પણ નથી આવ્યા. રસ્તો આમને આમ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓને લીધે બાઈક કે સ્કૂટરવાળા પડી જાય છે. હાલતા ચાલતા રાહદારીઓને અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકોની માંગ છે આ રસ્તાનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે કરવું જોઈએ.


