
- ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વધુ 1456 આવાસો બનાવાશે
- સ્થળની પસંદગી બાદ ટાવર કોલોની બનાવાશે
- ચ ટાઇપના 784, ‘છ’ ટાઇપના 224 તેમજ ‘જ’ કેટેગરીના 448 મકાનો બનાવાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અનેક વિભાગોની વિવિધ કચેરીઓ આવેલી છે. ત્યારે તમામ કર્મચારીઓને રહેવા માટે આવાસ મળી રહે તે માટે કર્મચારીઓ માટે નવા આવાસ બનાવાશે. હાલ આવાસ મેળવવા માટે કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ વધતુ જાય છે. બીજીબાજુ 40 વર્ષ જુના જર્જરિત બનેલા સરકારી આવાસ તોડી પાડવામાં આવી રહ્યા છે. તે સ્થાને હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવીને આવાસો સરકારી કર્મચારીઓને ફાળવાશે. રાજ્ય સરકારે બજેટમાં જોગવાઇ બાદ નવા 1456 આવાસો બાંધવા રૂ. 646 કરોડના ખર્ચની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મામલે અંદાજો તૈયાર કરવામાં આવ્યા બાદ સ્થળ પસંદગી કરી નવી ટાવર કોલોની બનાવવામાં આવશે.
ગાંધીનગર શહેરમાં જુના અને જોખમી સરકારી આવાસો તોડવામાં આવતાં ખુલ્લી થતી જગ્યામાં રહેણાંકને લાયક નવી ટાવર કોલોનીનું નિર્માણ કરવામાં આવે છે. અત્યાર સુધી સેક્ટર- 6, 7, 28, 29 અને 30માં નવી સરકારી કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કર્મચારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શહેરમાં વધુ 1456 આવાસો બાંધવા રૂ. 646 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નવા આવાસો પૈકી ચ ટાઇપના 784, ‘છ’ ટાઇપના 224 તેમજ ‘જ’ કેટેગરીના 448 મકાનો બાંધવામાં આવશે.
આ કોલોની માટે સ્થળ પસંદગી કરવા આગામી દિવસોમાં સરવે હાથ ધરવામાં આવશે. જોકે, શહેરના સેક્ટર- 7, 23, 28 તેમજ 29 કે 30માં નવા આવાસ બાંધવાની યોજના હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. હાલ આવાસ યોજનાની કામગીરીને અનુલક્ષી અંદાજો તૈયાર કરવામાં આવી રહ્યા છે.