- પ્રવાસીઓના ધસારાને લીધે રેલવે દ્વારા કરાયુ ખાસ આયોજન,
- રેલવેના ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયુ,
- ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા પ્રવાસીઓનો વધારો
અમદાવાદઃ બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થઈને વસવાટ કરતા લોકો છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાના માદરે વતન જતા હોય છે. આથી યુપી-બિહાર સહિત રાજ્યોમાં જતી લાંબા રૂટ્સની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. આથી પશ્ચિમ રેલવે દ્વારા 65 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 50 લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારે દિવસમાં 32 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
પશ્વિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ્ઠના પર્વ સહિતના તહેવારોના સમયમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ સ્ટેશન પર ચાલી રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની ભારે માગને પહોંચી વળવા માટે ગુજરાતના મુખ્ય સ્ટેશનો પરથી એક્સ્ટ્રા 65 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં 50 લાખ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે અમદાવાદના કાલુપુર સહિત દરેક સ્ટેશનો પર જ્યાંથી આ સ્પેશિયલ ટ્રેનો પસાર થાય છે, ત્યાં અલગથી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. હોલ્ડિંગ એરિયામાં પ્રવાસીઓને પીવાનું પાણી, લાઈટિંગ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ મળી રહે તેનું ખાસ ધ્યાન રખાયું છે. પ્રવાસીઓને વ્યવસ્થિત રીતે ચેનલાઈઝ કરીને ટ્રેનમાં ચઢાવવામાં આવી રહ્યા છે, જેથી અવ્યવસ્થા ન સર્જાય અને દરેક પ્રવાસી સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે. એ સિવાય જનરલ ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયું છે. અહીં પણ અલગથી અનાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેથી પ્રવાસીઓને ટિકિટ લેવામાં મુશ્કેલી ન પડે.
તેમણે ઉમેર્યુ હતું કે, આ વખતે પ્રવાસીઓનો ઘસારો ગયા વર્ષ કરતાં 40 ટકા જેટલો વધારે છે, એટલે કે 1 લાખ જેટલા પ્રવાસીઓ આ વર્ષે વધુ પ્રવાસ કરશે. પરંતુ રેલવે દ્વારા લોકોની ભીડ ન થાય અને પ્રવાસીઓને અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારો દરમિયાન સુરક્ષા જાળવવા માટે RPF અને GRPના અધિકારીઓ અને જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ ટિકિટ ચેકિંગની સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.


