- ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને રૂ. 1.30 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય,
 - રૂ. 300 થી લઇ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે,
 - કરાર આધારિત તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં
 
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે. કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. 95000 પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. 1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત 37 % જેટલો વધારો કરવામાં આવ્યો છે. વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. 300 થી રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે.
વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના 50 ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.
રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. 2000 અને રૂ. 1250 તેમજ માઇનોર સર્જરી માટે રૂ. 600 અને રૂ. 300 પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ હિતકારી નિર્ણય લેવમાં આવ્યો છે. જે તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

