
- એઈસી બ્રિજ પાસે થાર અને વેગનઆર વચ્ચે સર્જાયો અકસ્માત,
- નિકોલમાં કારચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા,
- પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રવિવારની રાતે બે અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા.. જેમાં છથી વધુ વાહનોને નુકસાન થયું હતું. જો કે બન્ને અકસ્માતના બનાવોમાં કોઈ જાનહાની થઈ નહતી, પણ એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી રાતે પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના એઈસી બ્રિજ પાસે બન્યો હતો. જેમાં થાર અને વેગનઆર કાર સામસામે ટકરાતા બન્ને કાર પલટી ખાઈ ગઈ હતી. જ્યારે મોડી રાત્રે અકસ્માતનો બીજા બનાવ શહેરના નિકોલ વિસ્તારમાં બન્યો હતો. જેમાં એક વૃદ્ધ કાર લઈને નીકળ્યા હતા. જેમણે પહેલા બાઈકને અડફેટે લીધું હતું અને આ દરમિયાન બીજા ચાર વાહનો પણ વચ્ચે આવતા તેમને પણ ફંગોળ્યા હતા. આ સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગત મોડી રાતે શહેરના એઇસી ચાર રસ્તા પાસે આવેલા બ્રિજ પાસે થાર અને વેગેનાર કારનો અકસ્માત થયો હતો. બન્ને કારની સ્પીડ ખૂબ હતી અને બંને કાર અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો એકઠા થયા હતા. અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે. આ અકસ્માત દરમિયાન કોઈ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતું હતું કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બીજો અકસ્માતનો બનાવ શહેરના નિકોલ વિસ્તારમાં બન્યો હતો. મોડીરાતે એક વૃદ્ધ પોતાની કાર લઈને નીકળ્યા હતા. ત્યારે તેમની કાર પર તેમણે કાબૂ ગુમાવી દેતા એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માત થયો ત્યારે બીજા બે-ત્રણ વાહનો પણ ત્યાં હતા જે પણ અડફેટમાં આવ્યા હતા. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.