1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ
શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

0
Social Share
  • શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત,
  • અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો,
  • દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે, પણ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2024ની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી છે. પરંતુ તેમાં વૈકલ્પિક વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વર્તમાન સમયમાં ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ ખેલ જગતમાં આગળ વધી રહ્યા છે. યોગનું મહત્વ પણ વિશ્વ સ્વીકારતું થયું છે. ત્યારે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેવા વિષયનું મહત્વ સૌના જીવનમાં વિશેષ છે.

શિક્ષણ મંત્રીને લખાયેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે, શિક્ષકોની ખાલી જગ્યા પર શરીર અને મનને સ્વસ્થ રાખનારા વિષયની અવગણના ન કરીને તેની ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયકની ભરતી કરવી જોઈએ. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની પણ ખાલી પડેલી જગ્યાઓની વિગત અપલોડ કરવામાં આવે અને તેમની શિક્ષણ સહાયક તરીકેની ભરતી કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને આ વિષયનો લાભ મળી રહે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code