1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ
બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ

બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ

0
Social Share
  • ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા ફરમાન,
  • 100 વર્ષ જુના મંદિરની માલિકીના પુરાવા હોવાનો સમિતિનો દાવો,
  • પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના આગેવાનો હાઈકોર્ટમાં મનાઈહુક્મ લેવા દોડ્યા

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ રોષે ભરાયા છે. તંત્ર દ્વારા આ જમીન ગૌચરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે મંદિરના વહિવટકર્તાઓ 100 વર્ષ જુનુ મંદિર હોવાનો તમામ દસ્તાવેજો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પુષ્કર્ણા બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મામલે ન્યાય મેળવવા હાઈકોર્ટમાં રિટ કરી રહ્યાનું જાણવા મળ્યું છે.

યાત્રાધામ દ્વારકા નજીક બેટ દ્વારકા આવેલું છે. દ્વારકાની જેમ બેટ દ્વારકાનું પણ વિશેષ મહાત્મ્ય છે. દ્વારકા આવતા યાત્રિકો બેટ દ્વારકાની પણ મુલાકાત લેતા હોય છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની જમીન પર દબાણ થયું હોવાનું તેમજ બેટ દ્વારકા કોરીડોર વિકાસને નડતરરૂપ હોવાનું જણાવી તંત્ર દ્વારા કેશવરાયજી મંદિરને નોટીસ આપી દબાણ નહિં હટાવાય તો મંદિર સંચાલકોના જોખમે તંત્ર દબાણ હટાવવા કાર્યવાહી કરશે તેવી નોટીસ અપાતા ભારે ચર્ચા જાગી છે.

કેશવરાયજી મંદિર સમિતિના દિલીપભાઈ બોડાના કહેવા મુજબ  આ મંદિર 100 વર્ષથી વધુ સમયથી યથાવત છે તેમજ મુખ્ય રસ્તાથી દૂર આવેલું છે તથા મંદિરની જગ્યા માલિકીના તમામ કાગળો છે પણ ડી.એલ.આઈ.આર. અને સીટી સર્વે વચ્ચે સંકલન ના હોય તથા જગ્યાના આધારો અપડેટ ના હોય તંત્રની ભૂલને કારણે ગૌચરનું દબાણ ગણી તોડવા નોટીસ અપાઈ છે. પુષ્કર્ણા બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા કેશવરાયજી મંદિરને તોડી પાડવાની તંત્રની તજવીજ સામે સમગ્ર ભારતમાં રહેતા પુષ્કર્ણા બ્રહ્મ સમુદાયમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ઓખા નગરપાલિકાના સત્તાવાળાઓને પણ પુષ્કર્ણા બ્રહ્મ સમુદાયના અગ્રણીઓએ રજૂઆત કરી છે. તેમજ આ અંગે હાઈકોર્ટમાં પણ ફરીયાદ કરાઈ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code