 
                                    ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તદ્દઉપરાંત આ સર્કલનું ‘જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિજી સર્કલ’ નું નામાભિધાન પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે, તેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મેવાડ અને મારવાડમાં ગૌશાળા, હોસ્પિટલ, જૈન છાત્રાલયો, અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણનાં અસંખ્ય કાર્યો કરનારા જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિજીના નામને સરદાર પટેલ સ્મારક પાસેના સર્કલ અને રોડ સાથે જોડીને રાજ્ય સરકારે જૈનાચાર્યજીને યથાયોગ્ય સન્માન આપ્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

