 
                                    ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25માં 5 કરોડથી વધુ દાવાઓની પતાવટનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું: ડો.મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ દાવાની પતાવટનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં ઇપીએફઓએ રૂ. 2,05,932.49 કરોડના 5.08 કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરી છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલા રૂ. 1,82,838.28 કરોડના 4.45 કરોડ દાવાઓને વટાવી ગઈ છે.
ડો. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાવાની પતાવટની પ્રક્રિયાઓ વધારવા અને સભ્યો વચ્ચે ફરિયાદો ઘટાડવા માટે ઇપીએફઓ દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ પરિવર્તનશીલ સુધારાઓને કારણે આ નોંધપાત્ર સિદ્ધિ શક્ય બની છે. “અમે ઓટો-સેટલ દાવાઓની ટોચમર્યાદા અને કેટેગરીમાં વધારો, સભ્ય પ્રોફાઇલમાં સરળ ફેરફારો, પીએફ ટ્રાન્સફરને સુવ્યવસ્થિત કરવા અને કેવાયસી અનુપાલન ગુણોત્તરમાં સુધારો કરવા સહિતના મુખ્ય પગલાં અમલમાં મૂક્યા છે. આ સુધારાઓથી ઇપીએફઓની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ઝડપી દાવાની પ્રક્રિયા માટે મુખ્ય સક્ષમ ઓટો-ક્લેમ સેટલમેન્ટ મિકેનિઝમ છે. જે એ સુનિશ્ચિત કરે છે કે દાવાઓની પતાવટ સબમિટ થયાના ત્રણ દિવસની અંદર કરવામાં આવે છે. ડો. માંડવિયાએ નોંધ્યું હતું કે આ સુધારાની અસર સ્પષ્ટ છે, ચાલુ નાણાકીય વર્ષમાં ઓટો ક્લેમ સેટલમેન્ટ બમણા થઈને 1.87 કરોડ દાવાઓ થયા છે. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 89.52 લાખ ઓટો દાવાઓની પ્રક્રિયા કરવામાં આવી હતી.
એ જ રીતે, પીએફ ટ્રાન્સફર ક્લેમ સબમિશન પ્રક્રિયામાં સુધારાઓએ કાર્યપ્રવાહને નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત કર્યો છે. સરળ ટ્રાન્સફર ક્લેમ એપ્લિકેશનની રજૂઆત બાદ, હવે માત્ર 8% ટ્રાન્સફર દાવાઓ માટે સભ્ય અને નોકરીદાતાના પ્રમાણીકરણની જરૂર પડે છે. નોંધનીય છે કે, 48 ટકા દાવાઓ એમ્પ્લોયરના હસ્તક્ષેપ વિના સભ્યો દ્વારા સીધા રજૂ કરવામાં આવે છે. જ્યારે 44 ટકા ટ્રાન્સફર વિનંતીઓ આપમેળે જનરેટ થાય છે.
ડો. માંડવિયાએ સભ્ય પ્રોફાઇલ સુધારણાની અસર પર વધુ ભાર મૂક્યો હતો. “સરળ પ્રક્રિયાની રજૂઆત પછી, આશરે 97.18% સભ્ય પ્રોફાઇલ સુધારાને સભ્યો દ્વારા સ્વ-મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત 1% ને એમ્પ્લોયરની મંજૂરીની જરૂર છે અને ઓફિસ હસ્તક્ષેપ ઘટાડીને માત્ર 0.4% કરવામાં આવ્યો છે. વધુમાં, અસ્વીકારના કેસો એમ્પ્લોયર દ્વારા ઘટીને 1.11 ટકા અને પ્રાદેશિક કચેરી દ્વારા 0.21 ટકા થઈ ગયા છે. જે સુવ્યવસ્થિત પ્રક્રિયાઓની અસરકારકતાને પ્રતિબિંબિત કરે છે અને દાવાની પતાવટમાં પ્રક્રિયાગત અવરોધોમાં ઘટાડો કરે છે, એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
ઇપીએફઓનાં સભ્યો માટે સુલભતામાં સરળતા વધારવાની સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંસ્થા અવિરત અને કાર્યદક્ષ સેવાનો અનુભવ સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો લાભ લેવાનું ચાલુ રાખશે અને સરળીકરણની પ્રક્રિયા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, “આ સુધારાઓએ માત્ર દાવાની પતાવટની પ્રક્રિયાને જ વેગ આપ્યો નથી, પરંતુ સભ્યોની ફરિયાદોને ઘટાડવામાં પણ ફાળો આપ્યો છે, જેનાથી ઇપીએફઓમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.”
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

