
- ઝગડિયા અને વાલિયા તાલુકામાં પક્ષપલટુઓને હોદ્દાની લહાણી કરાઈ
- ભાજપના કાર્યકર્તાના કામને ધ્યાન અપાતુ નહી હોવાનો આક્ષેપ
- નવા જિલ્લા પ્રમુખની પણ વસાવાએ ઝાટણી કાઢી
ભરૂચઃ ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાને હોદ્દા આપવા સામે વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ તેમણે વિરોધ કર્યો છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને હોદ્દો અપાયાનો, હોદ્દેદારોની વરણીમાં વિશ્વાસમાં ન લેવાયાનો સાંસદ મનસુખ વસાવાએ બળાપો કાઢ્યો હતો. હોદ્દેદારોની નિમણૂંકમાં સામાજિક સમીકરણો અને કાર્યકરોએ કરેલા કામને ધ્યાનમાં ન લેવાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રકારે નિમણૂંકથી કાર્યકર્તાઓમાં આક્રોશ હોવાનો સાંસદ વસાવાએ દાવો કર્યો છે. સાંસદની પોસ્ટ વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું ચોંકવાનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મે એક થઈને નિરાકરણ લાવવાનું કહ્યું પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી.
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં બધુ સમુસુતરુ નથી. ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદે આક્રોશ વ્યક્ત કર્યો છે. સોશિયલ મિડીયા પર નવા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના ઝઘડિયા અને વાલિયામાં પક્ષના મહામંત્રીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં આપ અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે .બીજી બાજુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે, ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું. બંને તાલુકાનાં સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોએ મારી મુલાકાત પણ લીધી છે અને અને વિગતવાર ચર્ચા પણ કરી છે. જોકે આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આખરે એક થઇ આનું નિરાકરણ લાવીએ. પરંતુ આ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી. ભરૂચમાં ભાજપના જ નેતાઓ એકબીજા પર વિશ્વાસ ન મુકતા હોઈ એમ લાગી રહ્યું છે. જેને લઈ ભાજપમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે.