
- રિક્ષાચાલક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત
- અકસ્માતમાં બે મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાતા એકનું મોત
- ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાના પતરાને કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યાં
હિમતનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે હિમતનગર-ઈડર હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, હિંમતનગરના રાજપુર પાટીયા પાસે ડાઈવર્ઝન રોડ પર આજે બપોરે એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જયારે અકસ્માતમાં બે મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જેમાંથી એક મહિલાનું મોત થયું છે. આ અકસ્માતની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાને કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે બસના કંડક્ટર ઝુબેર મોમીને જણાવ્યું કે આ બસ હિંમતનગરથી આજે બપોરે 2:45 વાગ્યે નીકળી હતી. રાજપુર પાસે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બસ જયારે ડાયવર્ઝન વાળા રોડ પર જઈ રહી હતી ત્યારે સામેથી રિક્ષા પૂરઝડપે આવી હતી. બસ સાથે રિક્ષા અથડાય નહીં તે માટે રિક્ષાને બચાવવા બસના ડ્રાઈવરે બસને ડિવાઈડર પર ચડાવી દીધી હતી. પણ રિક્ષાના ચાલકે બસને જોઈ નહીં અને સીધી ટક્કર થઇ હતી.