
- એસી કોપ્રેસર ફાટતા આગ લાગ્યાનું અનુમાન
- ગેસ સિલિન્ડરના બે બાટલાં ધડાકા સાથે ફાટ્યા
- કોઈ જાનહાની નહીં, કેટલાક રહિશો દોડીને ઘરની બહાર નિકળી ગયા
અમદાવાદઃ શહેરના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળે આજે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પૂર્વી ટાવરના 8માં માળે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે, જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા ગેસના બે બાટલા પણ ધડાકા સાથે ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ફેલાઈ હતી. ઘરમાં રહેલા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. નવમા અને દસમા માળ ઉપર જેટલા લોકો છે તે તમામ લોકોને હાલમાં રેસ્ક્યુ કરી ધાબા ઉપર લઈ જવામાં આવ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમતથી આગને કાબુમાં લીધી છે. આ આગના બનાવથી કોઈ જાનહાની થયાનું જાણવા મળ્યું નથી
અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરના 8માં માળના એક ફ્લેટમાં એસી બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું હતું. આગના બનાવના પગલે કાળા ડિંબાગ ધુમાડો આકાશમાં દેખાયો હતો અને આખા બિલ્ડિંગને આગની ઝપેટમાં લીધી હતી. આ ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડને થતાં 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 10 જેટલા લોકો ધાબા ઉપર ફસાયા હતા, તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક તરફ ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ રહી હતી તો બીજી તરફ તાત્કાલિક ધોરણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. તેની મદદથી ધાબા ઉપર રહેલા 8 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આઠમાં અને નવમાં માળ ઉપર રહેલા તમામ લોકોને પણ ફાયરની ટીમે નીચે ઉતારી લીધા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.