
- વડોદરા રેલવે સ્ટેશન પર પ્રેવાસીઓએ ટ્રેનને અટકાવી
- એસી બંધ હોવાથી અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ અકળાયા
- રેલવે પોલીસે પ્રવાસીઓને શાંત કર્યા
વડોદરાઃ મુંબઈના દાદરથી ભૂજ જતી ટ્રેનના B-3 કોચમાં એર કન્ડિશનર (એસી) બંધ રહેતાં પ્રવાસીઓએ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર હોબાળો મચાવ્યો હતો. અસહ્ય ગરમીને લીધે પ્રવાસીઓ અકળાયા હતા અને પ્રવાસીઓએ માગ કરી હતી કે, જ્યાં સુધી એસી ચાલુ ન થાય ત્યાં સુધી ટ્રેન આગળ નહીં વધે. દરમિયાન પોલીસે દોડી આવીને પ્રવાસીઓને શાંત પાડ્યા હતા.
મુંબઈના દાદરથી ટ્રેન ભૂજ જવા માટે રવાના થઈ ત્યારે ટ્રેનના B-3 કોચમાં એર કન્ડિશનર (એસી) બંધ રહેતાં પ્રવાસીઓ અકળાયા હતા. અને આ અંગે ટ્રેનના ટીટીને રજુઆત કરી હતી. પણ એસીમાં ફોલ્ટ શોધી ન શકાતા અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ પરેશાન થયા હતા. પ્રવાસીઓના કહેવા મુજબ દાદરથી અમે આવી રહ્યા છે ત્યાંથી એસી કામ કરતું નથી. દરેક સ્ટેશન પર ઊભા રહીએ તો દરેક સ્ટેશન માસ્ટર એવું જ કહે છે કે આગળ જઈને થઈ જશે અને એક બાદ એક સ્ટેશને ઠેલવામાં આવે છે. આ છેલ્લા ત્રણ કલાકથી રિપેર કરી રહ્યા છે પણ ફોલ્ટ રિપેર થતો નથી.
વડોદરા રેલવે સ્ટેશને પ્રવાસીઓએ કોચ બદલી આપવાની રજુઆત કરી હતી. એને આ મામલે પ્રવાસીઓએ હોબાળો મચાવતા રેલવેના અધિકારીઓએ તમે દારૂ પી હંગામો કરી રહ્યા છો એવો આક્ષેપ કર્યો હતો ત્યારે અમે કહ્યું કે તમે આખી ટ્રેનમાં એકપણ વ્યક્તિ દારૂ પીધેલ હોય તો કાર્યવાહી કરો અમે ફેમિલી સાથે છીએ. લોકો બીમાર પડી રહ્યા છે નાના બાળકો છે, પરંતુ પ્રશાસન કઈજ નથી કરી રહ્યું. આ ઘટનાએ રેલવેની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે અને પ્રવાસીઓની નારાજગીએ વડોદરા સ્ટેશન પર તણાવનું વાતાવરણ સર્જ્યું હતું. આ હોબાળાને લઈ રેલવે પોલીસ પણ દોડી આવી હતી અને મુસાફરોના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.