
- મુખ્યમંત્રીએ વહિવટી તંત્રને સતર્ક રહેવાની સુચના આપી
- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહેશે
- રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરઃ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા સરકારી તંત્ર પણ એલર્ટ બન્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.
હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. જોકે આજે બપોર સુધીમાં કોઈ સ્થળે વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલન કહેવા મુજબ મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે.