1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મળી મંજૂરી
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મળી મંજૂરી

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મળી મંજૂરી

0
Social Share
  • ગુજરાતના સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરાયા,
  • છેલ્લા20 વર્ષમાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી
  • વિશાળ રોડ અને રેલવે નેટવર્ક તેમજ અત્યાધુનિક એરપોર્ટ્સ સાથે નાગરિકોને આપી ઉત્તમ કનેક્ટિવિટી

ગાંધીનગરઃ   ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2025-26માં 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના તમામ શહેરોમાં રોડ-રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપલાઇન જેવા અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, સાથે જ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શહેરી વિસ્તારોમાં આવાસો પૂરા પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ગાળામાં લગભગ 225 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. શહેરોના સુગઠિત અને આયોજનપૂર્વકના વિકાસથી આજે શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ’ નો અનુભવ કરી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ 6 શહેરોમાં ₹11,451 કરોડથી વધુના 354 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹11,056 કરોડના 348 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ₹395 કરોડના 6 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે. વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડે છે. ફેબ્રુઆરી, 2024માં ₹979 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ ગુજરાતમાં, જામનગર-ભટિંડા હાઇવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે વગેરેનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.

આ ઉપરાંત, આ વર્ષના બજેટમાં નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે, એમ બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અંદાજિત ₹36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકા આસપાસના વિસ્તારો માટેની કનેક્ટિવિટી સુગમ બનશે.

અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર, 2022માં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત આજે મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.  પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં 8.96 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code