
- હોંગકોંગની ચાઈનિઝ મહિલાની મદદથી કોલ સેન્ટર ચલાવીને ફ્રોડ કરતા હતા
- બન્ને આરોપીઓએ 4 દિવસમાં 65 હજાર કોલ કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો,
- લોકોને સીમ બંધ કરાવવાની ધમકી કે ડિજિટલ અરેસ્ટના બહાને પૈસા પડાવતાં હતા
અમદાવાદઃ આજના કોમ્પ્યુટર અને સોશિયલ મિડિયાના જમાનામાં અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે છેતરપિંડીના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે લોકોને ડરાવી ધમકાવીને ડિઝિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરનારા બે શખસોને દબોચી લીધા છે. આરોપીઓ ટ્રાય ( ટિલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લોકોને ફસાવતા હતા બંને આરોપીઓએ ફક્ત 4 દિવસમાં 65,000 જેટલા કોલ કરીને લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ હરિયાણાની જેલમાં બન્ને આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જેલમાંથી છૂંટ્યા બાદ બનાવેલા પ્લાન મુજબ, લવકેશ વાધવા અને અનુરાગ ગુપ્તાએ અમદાવાદમાં સર્વર ભાડે રાખી, હૉંગકોંગની ચાઇનીઝ મહિલાના સંપર્કમાં રહી કોલ સેન્ટર ફ્રોડ ચલાવ્યો હતો. ટ્રાઇના અધિકારી હોવાનું કહી લોકોને સીમ બંધ કરાવવાની ધમકી કે ડિજિટલ અરેસ્ટના બહાને પૈસા પડાવતાં હતા. આ કેસમાં અત્યાર સુધી ગુજરાત સહિત દેશભરમાં કુલ 49 ફરિયાદો નોંધાઈ છે અને સાયબર ક્રાઇમ વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ (એટીએસ)ને માહિતી મળી હતી કે, અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા કેમ્બવે ગ્રાન્ડમાં નવમા માળે ડેટા ફર્સ્ટ કંપનીમાંથી કોલ ટ્રાન્સફર કરી લોકો સાથે ઠગાઇ થઇ રહી છે. સીપ લાઇન મારફતે અનેક ફ્રોડ થઇ રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઇમ અને ATSએ રેડ પાડી હતી. રેડ દરમિયાન વિગતો સામે આવી હતી કે, હોંગકોંગ સ્થિત ક્વીક કોમ કંપનીએ ત્રણ સર્વર ભાડે રાખ્યા હતા અને ત્યાંથી સીપ લાઇન ચલાવતા હતા. આ સીપ લાઇન થકી 20થી 24 એપ્રિલ દરમિયાન 65,000 કોલ કરવામાં આવ્યા હતા. જેની તપાસમાં બે આરોપીઓ લવલેશ વાધવા અને અનુરાગ ગુપ્તાનું નામ ખુલ્યુ હતુ જેમાં અનુરાગની દેહરાદુન અને લવકેશની દિલ્હીથી ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી લવકેશ વિઝા ફ્રોડના ગુનામાં અને અનુરાગ ગુપ્તા વોઇસ કોલ ફ્રોડના ગુનામાં હરિયાણા સેન્ટ્રલ જેલમાં હતા. અહીં બંને આરોપીની મુલાકાત થઇ હતી અને જેલમાંથી નીકળી વોઇસ કોલ થકી ફ્રોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ બંને આરોપીઓ સંપર્કમાં હતા. બંને આરોપી હોંગકોંગની ક્વિક કોમ કંપની ચાઇનીઝ મહિલા સિન્ડીવાનના સંપર્કમાં આવ્યા હતા. જેને સર્વિસ પૂરી પાડવા બંનેએ કોન્ટ્રાક્ટ કર્યો હતો અને તેમણે લવકેશની પત્ની તરૂણાના નામે કંપની રજીસ્ટ્રર કરાવી અમદાવાદ ખાતે સર્વર ભાડે રાખ્યું હતું. આરોપીઓએ જર્મની ખાતે ભાડે રાખેલા સર્વરને અમદાવાદ સ્થિત સર્વર સાથે કનેક્ટ કરી સીપ લાઇન મારફતે કોલ કરતા હતા. આરોપીઓ TRAIના અધિકારી હોવાથી ઓળખ આપી બે કલાકમાં સીમ બંધ કરવાની ધમકી આપી, ડિજિટલ અરેસ્ટ અથવા તો રોકાણ કરવાના નામે છેતરપિંડી કરતા હતા. એક કોલ માટે ચાઈનીઝ મહિલા આરોપીઓને સિન્ડી વાન મહિલા 48 પૈસા આપતી હતી. 65000 કોલ માટે આરોપીઓને 26 હજાર રુપિયા યુએસ ડોલર સ્વરૂપે આપ્યા હતા.
સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, આરોપી અનુરાગ ગુપ્તા સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ છે તે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 18 વર્ષથી કોલ સેન્ટર તથા ઇન્ટરનેટ સર્વિસના કામ સાથે સંકળાયેલો છે. તેણે સિન્ડીવાન પાસેથી મળેલા ડેટાના આધારે સિન્ડીવાન સાથે મળી ઇરાન, ઇરાક, કંબોડિયા અને મલેશિયાથી કોલ કરી છેતરપિંડી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર 49 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગુજરાતની 22 અને દેશના અન્ય રાજ્યોની 23 કરતાં વધારે ફરિયાદ છે. આરોપીઓેએ 30થી 49 લાખની છેતરપીડી કરી હોવાની વિગતો મળી છે. સામાન્ય રીતે પ્રોડક્ટ્સની એડવર્ટાઇઝીંગ અને માર્કેટિંગ માટે સીપ લાઇનનો કાયદેસરનો ઉપયોગ થતો હોય છે. જોકે, આરોપીઓએ તેને ફ્રોડનુ માધ્યમ બનાવ્યું હતું. આરોપીઓ રાખેલા સર્વર થકી પ્રત્યેક દિવસે 4 લાખ કોલ થઇ શકતા હતા. આરોપીઓની જાળમાં કેટલા લોકો આવ્યા અને કેટલાની છેતરપીડી થઇ તે અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.