
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2થી 9 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસે જવાના છે. બુધવારે તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનાની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી તા. 2થી 3 જુલાઈ સુધી ઘાનામાં રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઘાનાના પ્રમુખ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ અને વિકાસ સહયોગ ભાગીદારીને વધારવા માટે વધુ તકો પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે. આ સાથે, તે ECOWAS (પશ્ચિમ આફ્રિકન રાજ્યોની આર્થિક સમુદાય) અને આફ્રિકન યુનિયન સાથે ભારતની ભાગીદારીને મજબૂત બનાવવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે.
પ્રધાનમંત્રી 3થી 4 જુલાઈ સુધી ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેશે
આ જ સમયે, તેમની મુલાકાતના બીજા તબક્કામાં PM મોદી 3થી 4 જુલાઈ દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે.
4 થી 5 જુલાઈ સુધી આર્જેન્ટિનામાં રહેશે
તેમની મુલાકાતના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 થી 5 જુલાઈ દરમિયાન આર્જેન્ટિનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી પ્રમુખ જેવિયર માઇલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી અપેક્ષા છે. પ્રમુખ માઇલી સાથેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં ચાલુ સહયોગની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ, નવીનીકરણીય ઉર્જા, વેપાર અને રોકાણ અને લોકો-થી-લોકોના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ભારત-આર્જેન્ટિનાની ભાગીદારીને વધુ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.
5 થી 8 જુલાઈ સુધી બ્રાઝિલમાં રહેશે, બ્રિક્સ સમિટમાં ભાગ લેશે
પીએમ મોદી 17મા બ્રિક્સ સમિટ 2025માં હાજરી આપવા માટે તારીખ 5થી 8 જુલાઈ દરમિયાન બ્રાઝિલની મુલાકાત લેશે. 17મું બ્રિક્સ નેતાઓનું સમિટ રિયો ડી જાનેરોમાં યોજાશે. સમિટ દરમિયાન, વડાપ્રધાનો શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા, કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક આરોગ્ય, આર્થિક અને નાણાકીય બાબતો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી 9 જુલાઈએ નામિબિયાની મુલાકાત લેશે
ઉલ્લેખનીય છે કે, તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 9 જુલાઈએ નામિબિયાની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની નામિબિયાની પહેલી મુલાકાત હશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી પ્રમુખ નંદી-ન્દૈત્વ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ નામિબિયાની સંસદને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી નામિબિયાના સ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ ડૉ. સેમ નુજોમાને પણ શ્રદ્ધાંજલિ આપશે.