
મહારાષ્ટ્રમાં 3 મહિનામાં 767 ખેડૂતોએ આત્મહત્યા કર્યાનો રાહુલ ગાંધીનો દાવો, સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા 3 મહિનામાં 767 ખેડૂઓએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરવામાં આવી રહી છે જ્યારે દેવામાં ડૂબેલા ખેડૂતોની લોન માફ કરવાનું સરકારને યોગ્ય નહીં લાગતું હોવાનો પણ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આક્ષેપ કર્યો હતો કે, આ મુદ્દે સરકારી સ્તરે મૌન અને ઉદાસીનતા જોવા મળી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ “સિસ્ટમ” ખેડૂતોને મારી રહી છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના “પીઆર”નો તમાશો જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કર્યું કે, મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ મહિનામાં 767 ખેડૂતોએ આત્મહત્યા કરી. શું આ માત્ર એક આંકડો છે? ના. આ 767 ઘર વિખેરાયા છે. 767 પરિવારો, જે ક્યારેય સ્વસ્થ થઈ શકશે નહીં. અને સરકાર ચૂપ છે. તેમનામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.” તેમણે દાવો કર્યો, “ખેડૂતો દરરોજ દેવામાં ડૂબી રહ્યા છે – બીજ મોંઘા છે, ખાતર મોંઘા છે, ડીઝલ મોંઘા છે… પરંતુ MSPની કોઈ ગેરંટી નથી. જ્યારે તેઓ લોન માફીની માંગ કરે છે, ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે.” કોંગ્રેસના નેતાએ કહ્યું, ” જેમની પાસે કરોડો રૂપિયા છે? મોદી સરકાર તેમના દેવા સરળતાથી માફ કરી દે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “મોદીજીએ કહ્યું હતું કે તેઓ ખેડૂતોની આવક બમણી કરશે – આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોનું જીવન અડધું થઈ રહ્યું છે.” રાહુલ ગાંધીએ કહ્યું, “આ સિસ્ટમ ખેડૂતોને મારી રહી છે. ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો, “X” પર એક ચાર્ટ શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-કોંગ્રેસ સરકારના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં 55,928 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. “મૃતકોની ગણતરી કરવાની રાજનીતિ ઘૃણાસ્પદ છે, પરંતુ રાહુલ ગાંધી જેવા લોકોને અરીસો બતાવવો મહત્વપૂર્ણ છે,” માલવિયાએ કહ્યું.
ભાજપના નેતાએ કહ્યું કે, મોં ખોલતા પહેલા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકારના કાર્યકાળ દરમિયાન તેમના પક્ષ દ્વારા કરવામાં આવેલા “પાપો” યાદ કરવા જોઈએ. “પહેલા જણાવો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી (એસપી) સરકારના 15 વર્ષમાં 55,928 ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી?” તેમણે કહ્યું.