
- પાલનપુરમાં 7 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ અને દૂકાનોમાં પાણી ફરી વળ્યા,
- પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે પર પાણી ભરાયા,
- પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ
પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં પાલનપુરમાં 7 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. ઘરો-દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને, પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ભારેયેલા વરસાદી પાણીને લીધે લગભગ ચાર કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.
મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદને લીધે પાલનપુર -અમદવાદ હાઇવે પર ઠેર ઠેર વરસાદના પાણી ભરાયા છે. તેના લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. પાલનપુર નજીક હાઇવે પર 4 કિમી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદી પાણી ભરાઈ જતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. અમદાવાદથી આબુ અને આબુથી અમદવાદ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાલનપુર હાઈવે બિહારીબાગ સામે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા એક તરફના માર્ગ ઉપર નાના વાહનો ચાલતા જોવા મળી રહ્યા છે. જોકે પાણીમાંથી ચાલતા કેટલાક વાહનો બંધ પણ પડ્યા છે.
પાલનપુરથી આબુરોડને જોડતો હાઇવે પાણી પાણી થયો છે. પાલનપુર પંથકમાં પડેલા 7 ઇંચ વરસાદમાં પાલનપુરથી આબુરોડને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે. હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. રસ્તાઓ જ નહીં પરંતુ રહેણાક વિસ્તારોમાં અને દુકાનોમાં પાણી ધૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ, જિલ્લાના પાંચ તાલુકાની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે, તેવો નિર્ણય લેવાયો છે. પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, ડીસા તાલુકાની પ્રાથમિક સ્કૂલો બંધ રાખવા નિર્ણય લેવાતા આજે શાળાઓમાં રજા રાખવામાં આવી હતી.