1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર
વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર

વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર

0
Social Share
  • મેઘરાજાએ વિરામ લેતા વનરાજોએ જંગલ તરફ પ્રયાણ કર્યું,
  • તાલાલાથી વિસાવદર જતો 15 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે,
  • ગ્રામજનોએ એકસાથે લટાર મારતા 12 સિંહનો મોબાઈલમાં વિડિયો ઉતાર્યો

વિસાવદરઃ સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી સીઝનમાં જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વનરાજો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં લટાર મારવા નીકળતા હોય છે. સિંહના ટોળા ન હોય પણ પરિવાર એક સાથે રહેતો હોય છે. ત્યારે સાસણ -વિસાવદરના માર્ગ પર 9 બાળસિંહ અને ત્રણ સિંહણ એક સાથે લટાર મારતા નિકળીને જંગલ તરફ જઈ રહ્યા હતા. ગ્રામજનોએ વનરાજોને એકસાથે જોતા રોમાંચિત થઈને વનરોજોનો વિડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો.

ગીરના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં તાજેતરમાં થયેલી સિંહ વસતિગણતરીમાં સિંહ અને સિંહણોની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો હવે વાસ્તવિકતામાં જોવા મળી રહ્યો છે. ગીરના જંગલમાં એકસાથે ત્રણ સિંહણ અને એમના નવ બાળસિંહ એમ કુલ 12 સિંહનો પરિવાર વિહાર કરતો જોવા મળ્યો હતો. આ અનોખું દૃશ્ય સાસણથી વિસાવદર તરફ જતા જંગલના માર્ગ પર જોવા મળ્યું હતું. તાલાલાથી વિસાવદર તરફ જતો આ 15 કિલોમીટરનો રસ્તો ગીરના જંગલની મધ્યમાંથી પસાર થાય છે. વરસાદી માહોલ વચ્ચે વરસાદનો વિરામ થતાં જ સિંહ પરિવાર જંગલમાં ભ્રમણ કરવા નીકળ્યો હતો. સતાધાર-વિસાવદર તરફ જઈ રહેલા અનેક પ્રવાસીઓ અને સ્થાનિકોને આ વિરાટ સિંહ પરિવાર એકસાથે જોવા મળતાં તેઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.

ગીરમાં સિંહ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધનમાં વન વિભાગ સાથે સ્થાનિક લોકોની ભાગીદારી અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. સિંહ પ્રજાતિને મળી રહેલી સલામતી અને સંવર્ધનના પ્રયાસોને કારણે તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે, ગીર અને એની આસપાસના દસ તાલુકામાં સિંહ પરિવારો નજરે પડવાના પ્રસંગો હવે રોજબરોજની સામાન્ય ઘટના બની ગયા છે. આ દૃશ્યો ગીરના જંગલની સમૃદ્ધ વન્યજીવ સૃષ્ટિનું પ્રતીક છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

ગીરના જંગલ અને એની આસપાસના વિસ્તારોમાં સિંહ સંરક્ષણના પ્રયાસોનાં અદભુત પરિણામો સામે આવ્યાં છે. વન વિભાગ દ્વારા મે મહિનામાં કરવામાં આવેલી તાજેતરની સિંહ વસતિગણતરીમાં સિંહોની સંખ્યામાં 32 ટકાનો પ્રભાવશાળી વધારો નોંધાયો છે. આ ગણતરીમાં ગીર, બૃહદ ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ 900 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code