1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IAS અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતો શખસ પકડાયો
IAS અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતો શખસ પકડાયો

IAS અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતો શખસ પકડાયો

0
Social Share
  • પોતે આઈએએસ અધિકારી હોવાનું કહીને રૂ.79 હજારની છેતરપિંડી કરી હતી,
  • વિસનગર પોલીસે અમદાવાદમાંથી ગઠિયાને દબોચી લીધો,
  • આરોપી અગાઉ ચેક રિટર્નના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે

અમદાવાદઃ  આઈએએસ અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. સુરતના પિતા-પુત્રએ વિસનગરના કાંસા ગામના હોટેલ માલિક સાથે વિશ્વાસઘાત કરી રૂ.21.65 લાખ પડાવ્યા બાદ એક શખસે પોતાને આઈએએસ અધિકારી બતાવી રૂ.79 હજારની છેતરપિંડી કરી હતી. આરોપી ઋષભ રેડી નામના ગઠિયાને પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં અર્પિત પિયુષભાઈ શાહ અને ઋષભ રેડી એક જ માણસ હોવાનું જાણવા મળ્યું છે. ઋષભ અગાઉ ચેક રિટર્નના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, કાંસાના દિનેશભાઈ પટેલની હોટેલમાં વર્ષ 2024માં સુરતના જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ પરિવાર સાથે રોકાયા હતા. ત્યારે થયેલી ઓળખાણ બાદ વારંવાર મુલાકાતો થતી હતી. દિનેશભાઈનો જયંતિભાઇના દીકરા કૌશિક સાથે પણ પરિચય થયો હતો. બંને પિતા-પુત્રએ પોતે પણ કન્સ્ટ્રક્શનના ધંધામાં છે અને ઇન્કમટેક્ષની રેડ પડતાં વકીલને આપવા પૈસાની જરૂર હોવાનું કહી મદદ માગતાં દિનેશભાઈએ ટુકડે ટુકડે રૂ.21.65 લાખ આપ્યા હતા. ઉઘરાણી કરતાં પિતા-પુત્રએ ગાંધીનગર સચિવાલયમાં આઈએએસ ઋષભ રેડ્ડી મદદ કરશે તેમ કહી ફોન પર વાત કરાવી હતી. ઋષભે પોતાને આઈએએસ બતાવી કેસ જીતી જઈશું અને પૈસા પરત મળશે એમ કહ્યું હતું. પરંતુ પૈસા મળ્યા ન હતા. દરમિયાન, પિતા-પુત્રે અર્પિત પિયુષભાઈ શાહને ભાગીદાર બતાવી આપેલો 25 લાખનો ચેક પણ સ્ટોપ પેમેન્ટ કરાવ્યો હતો. 19 લાખનો ચેક પણ અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો. આથી દિનેશભાઇએ કડક ઉઘરાણી કરતાં તેમણે જાનથી મારી નાખવાની અને ઋષભે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, રૂ.79 હજાર પડાવ્યા હતા.

આખરે દિનેશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે સુરતના જયંતિ હરગોવનભાઈ પટેલ અને કૌશિક જયંતિભાઈ પટેલ, અમદાવાદના અર્પિત પિયુષભાઈ શાહ તેમજ ઋષભ રેડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઈએએસ તરીકેની ઓળખ આપનાર ઋષભ રેડીને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code