1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં : હર્ષ સંઘવી
ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં : હર્ષ સંઘવી

ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં : હર્ષ સંઘવી

0
Social Share

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂ.19.82 કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા,શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા.

સરહદી સુરક્ષાના સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય પણના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે. ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે. યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે. ડ્રગ્સના દૂષણને ખત્મ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરીણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખચેન જીવન વ્યતિત કરે તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીએ રેન્જ આઇજી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા. કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઈવ વિષે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો, પોર્ટ વિસ્તારો અને ગામડાઓના 675થી વધુ એકરના દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે.‌

પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, બાલાસર, ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જનસુવિધાઓમાં વધારો થશે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ બનશે. ધોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગૃહ રાજ્યમંત્રીએ શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મુકી હતી. પોલીસ ગુનેગારોને પણ પકડે અને ખંતથી ગૌસેવા પણ કરે આ પહેલને પ્રેરણાદાયી જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યમાં ગૌહત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપીને તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે 15થી વધુ ગૌહત્યાના ગુનેગારોને 7થી 10 વર્ષની આકરી સજા અપાવવામાં સફળતા મેળવી છે. કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીએ પ્રસંશનીય ગણાવી હતી. પોલીસ પરિવાર માટે વેલ્ફેર સેવા, ગૌસેવા, સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસ એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે તેમ જણાવ્યું હતું.

હંમેશાની જેમ જ દેશ સેવામાં સદાય તત્પર રહેવા માટે પોલીસ કર્મયોગીઓને ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સેવા કાર્યોમાં ગુજરાત પોલીસ ક્યારેય પણ પીછેહઠ નહીં કરે. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હલચલ જણાઈ તો પોલીસને જાણ કરવા ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરી હતી. આ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધો.10 અને ધો.12માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રીના વરદ હસ્તે સન્માિત કરાયા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ જિલ્લામાં ‘લૉ એન્ડ ઓર્ડર’ની ઉત્તમ અમલવારી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકો અને પોલીસ‌ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો‌ હતો.

સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહરાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુદઢ બનશે તેમ તેઓએ ઉમેર્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજી રાજન સુશરા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, મામલતદાર જાવેદ સિંધી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code