
ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાશે
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવા અને દેશની અંદર વધતા આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. શ્રી શાહે આતંકવાદીઓ દ્વારા એન્ક્રિપ્ટેડ સંદેશાઓના દુરુપયોગનો ઉકેલ શોધવા માટે તમામ પક્ષોને સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પોલીસ સંગઠનોમાં ફક્ત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.
પરિષદના પહેલા દિવસે નશીલા પદાર્થના વેપારમાં સામેલ વિદેશી શક્તિઓના સ્થાનિક સંપર્કો સાથેના સંબંધો અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાના સ્ત્રોતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાંથી લગભગ 800 અધિકારીઓએ પરિષદમાં ભાગ લીધો. આજે પરિષદના બીજા દિવસે નાગરિક ઉડ્ડયન, બંદર સુરક્ષા અને ડાબેરી ઉગ્રવાદ પર પણ ચર્ચા કરવામાં આવશે.