
GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 414 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
- 215 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં,
- 147 વિદ્યાર્થીઓના તમામ વિષયના પરિણામ રદ કરાયા,
- 31 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિવિધ શાખાઓના સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હીયરીંગ કરાયું હતું. જેમાં કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. ગેરરીતિ કરનારા તમામ વિદ્યાર્થીઓને બે સ્તરમાં વહેંચી સજા સંભળાવવામાં આવી છે. જેમાંથી 215 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકશે નહીં, યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કડક લપગલાં લેવામાં આવ્યા છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) એ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે સખત પગલાં લીધા છે. યુનિવર્સિટીની અનફેર મીન્સ (UFM) કમિટી દ્વારા કુલ 445 વિદ્યાર્થીઓના કેસની સુનાવણી કરવામાં આવી હતી. જેમાંથી, 31 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 414 વિદ્યાર્થીઓ ગેરરીતિ માટે દોષિત સાબિત થયા છે. આ વિદ્યાર્થીઓને નિયમાનુસાર સજા કરવામાં આવી છે. યુનિના રજીસ્ટ્રાર કે. એન. ખેરએ જણાવ્યું હતું કે, ગેરરીતિના કેસમાં વિદ્યાર્થીઓ CCTV ફૂટેજ અને સુપરવાઈઝરના રૂબરૂ નિવેદનોના આધારે પકડાયા હતા. આ ગેરરીતિઓમાં મોબાઈલનો ઉપયોગ, ચીટશીટ, પૂરવણી બદલવી અને કોપી કરવી જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી. આ કાર્યવાહીમાં, 414 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે, જેને મુખ્ય બે સ્તરમાં વહેંચવામાં આવી છે. જેમાં લેવલ 3ની 215 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના વર્તમાન સેમેસ્ટરના તમામ વિષયોના પરિણામ રદ કરવામાં આવ્યા છે અને તેમને આગામી બે સેમેસ્ટર એટલે કે એક વર્ષ સુધી કોઈ પણ પરીક્ષા આપવાની મંજૂરી મળશે નહીં. જ્યારે લેવલ 2ની સજામાં 174 વિદ્યાર્થીઓને આ સજા થઈ છે. આ વિદ્યાર્થીઓના પણ વર્તમાન સેમેસ્ટરના તમામ વિષયોના પરિણામ રદ કરવામાં આવ્યા છે, પરંતુ તેમને આગામી સેમેસ્ટરમાં પરીક્ષા આપવાની મંજૂરી મળશે.
પરીક્ષા વિભાગના સૂત્રોના કહેવા મુજબ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને સુપરવાઈઝરના નિવેદનો લીધા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, ત્રણ વિદ્યાર્થીઓના કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, યુનિવર્સિટીના આ પગલાથી ભવિષ્યમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને કડક સંદેશ મળ્યો છે.