
કડાણા ડેમમાંથી અચાનક પાણી છોડાતા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગુમ થયેલા શ્રમિકો પૈકી ચારના મૃતદેહ મળ્યાં
ગાંધીનગર : મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડાતા લુણાવાડા તાત્રોલી નજીક આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એકાએક વધી જતા પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિક ફસાયા હતા. ઘટનાને 40 કલાક બાદ ચાર શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક શ્રમિકની શોધખોળ હજી ફાયર અને NDRF ટીમ દ્વારા ચાલી રહી છે.
આ દૂર્ઘટનામાં નરેન્દ્રકુમાર સોલંકી (રહે, ગોધરા), શૈલેષકુમાર (રહે, દોલતપુરા), શૈલેષભાઈ માછી (રહે, દોલતપુરા) અને અરવિંદભાઈ ડામોર (રહે, આકલિયા)ના મૃતદેહ મળી આવ્યાં છે. ઘટનાના બાદ વડોદરા ફાયર ટીમ અને એન.ડી.આર.એફની ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આજે (6 સપ્ટેમ્બર) દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરી વધુ ઝડપથી થાય તેવા સૂચનો આપ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી.
બીજી તરફ કંપનીએ મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 4 સપ્ટેમ્બરે બપોરે પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે અંદર રહેલા શ્રમિકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. તે સમયે અંદર 15થી વધુ શ્રમિકો હાજર હતા, જેમાંથી 10 બહાર નીકળી બચી ગયા.