
- વાડી-ખેતરોમાં પાણી ભરાતા ખરીફ પાકને વ્યાપક નુકસાન,
- સુઈગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ,
- આજે મેઘરાજાએ એકંદરે વિશ્રામ લેતા લોકોએ રાહત અનુભવી
અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ એકંદરે ખમૈયા કર્યા છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠાના સુઈગામ, કચ્છના રાપર સહિતના તાલુકા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે. વાડી- ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ઘણા ગામોમાં હજુ વીજળી પુરવઠો પૂર્વવત થઈ શક્યો નથી. રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. પાણી ઉતરતા નુકસાનીનો અંદાજ મળી રહ્યો છે. બનાસકાંઠાના સૂઈગામમાં બે દિવસમાં 17 ઈંચથી વધુ ખાબકેલા વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી.જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદને કારણે કૃષિપાકને ભારે નુકસાન થયાનું ખેડૂતો કહી રહ્યા છે.
કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ સોમવારથી વરસાદી પાણી ઓસરતા નુકસાનીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બંને જિલ્લામાં ખેતીપાકને ભારે નુકસાન થયું છે. સાંતલપુર-રાધનપુર તાલુકામાં 50 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે. તો સુઈગામમાં સ્થાનિકો ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાયા હતા. પાણી ઉતરતા લોકો પરત ફરી રહ્યા છે. જ્યારે રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ખેડૂતો માટે મોટી આફત આવી છે. ખાસ કરીને રાધનપુરના બાદરપુરા ગામમાં ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એરંડા, અડદ, કપાસ, અને મગ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને આ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે.
આ ઉપરાંત ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં તારાજી સર્જી છે. ત્રણેય તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતને કારણે અનેક ગામડાં સંપર્કવિહોણાં થઇ ગઇ ગયાં છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુઇગામ તાલુકાની છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલો આ વિસ્તાર સાવ અલગ પડી ગયો છે. વાવના રસ્તે આવેલા ચરાડા ગામની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. અહીંનાં અનેક ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયાં છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે રાત્રે ત્રણ વાગ્યે અચાનક પાણી આવ્યું ને અમારે ઘરવખરી અને માલઢોર મૂકીને ઘર છોડવું પડ્યું છે, જેમાં અનેક પશુઓનાં મોત થયાં છે.