
નાગરિક કર્તવ્યો અને પર્યાવરણની રક્ષા
(ડૉ.મહેશ ન. ચૌહાણ)
ભારતીય સનાતન હિંદુ સંસ્કૃતિમાં ધર્મ એટલે કર્તવ્ય. સૌ પ્રામાણિકતાથી સમ્યક્ રૂપે પોત પોતાનું કર્તવ્ય નિભાવતાં રહે તો સમગ્ર સૃષ્ટિ-સમષ્ટિનું વ્યવસ્થા તંત્ર એટલે કે પર્યાવરણ ઠીક રહે. મનુષ્ય માટે પર્યાવરણ એટલે તેની આસપાસ રહેલ ચર-અચર એટલે કે જીવંત-નિર્જીવ વસ્તુઓની ઉપસ્થિતિ.
મનુષ્ય સિવાય અન્ય સૌના પર્યાવરણને વ્યાખ્યાયિત કરીએ તો તેમના પર્યાવરણમાં મનુષ્યનો પણ સમાવેશ થાય જ. આમ, સૌ એક બીજા માટે પૂરક-પોષક બની રહે તેવાં સૌ કોઈ કર્તવ્ય નિભાવે તો સૌનું પર્યાવરણ સુરક્ષિત રહે અને અંતતોગત્વા સૌ સુખ અને શાંતિનો અનુભવ કરી શકે.
ભારતનો પુત્રવત સમાજ એટલે કે ભારતીય સનાતન હિંદુ સંસ્કૃતિના વાહક આપણે સૃષ્ટિના ઉદ્ભવ કાળથી જ સર્વના સુખની, સર્વના હિતની કામનાનો સર્વમંગલકારી પવિત્ર વિચાર હ્રદયે ધારણ કરી એકાત્મ-સમરસ જીવન વ્યવહાર સાથે પોતાનો ધર્મ – કર્તવ્ય સુપેરે નિર્વહન કરતા આવ્યા છીએ.
પ્રકૃતિ પૂજક એવા આપણા સૌનો સૌની સાથે આત્મીય સંબંધ રહ્યો છે. માટે જ સૂર્યને દાદા, ચંદ્રને મામા, પ્રકૃતિ-પૃથ્વી-નદી-ગાય-તુલસીને માતા, બિલ્લીને માસી, ઉંદરને મામા, નાગ-ગરુડ-વાયુ-અગ્નિ-વરુણને દેવતા, સિંહને રાજા આવા સંબોધનોથી સૌને પોતાના સંબંધી માનીએ છીએ. આપણા ભગવાન, દેવી-દેવતાઓના વાહન તરીકે કેટલાય પશુપક્ષીઓ છે. એક દ્રષ્ટિએ વિચારીએ તો તેમાં જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાની એક આધ્યાત્મિક વિશિષ્ટ અદ્વિતીય અદભુત સંકલ્પના જ છે.
આપણા ઉત્સવો જેવા કે ગોવર્ધન-ગૌ પૂજા, વટ સાવિત્રી વ્રત, નારિયેળી-શરદ પૂર્ણિમા, રથ સપ્તમી વગેરેની પાછળ પણ જીવનમાં સૌની અગત્યતા અને સૌના મહત્વને સમજવાની તેમજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સનાતન સાંસ્કૃતિક વ્યવસ્થા છે.
દૈનિક જીવનમાં પણ આપણે માત્ર પોતાનો જ વિચાર ન કરતાં કીડિયારું પૂરવું, પશુઓને ઘાસચારો-પક્ષીઓને ચણ-માછલીને આટો નાંખવો, પહેલી રોટલી ગાય અને બીજી રોટલી કૂતરાને આપ્યા બાદ ભોજન આરોગવું જેવી અનેક પ્રથાઓને જાળવી રાખીને આજે પણ સૌના કલ્યાણ ઉત્કર્ષનાં કાર્યો કરી રહ્યા છીએ. વૈદ્યરાજ સ્વયંને માટે નહી પણ ઋગ્ણજનોની સુખાકારી હિતાર્થ પણ વનસ્પતિની અનુમતિ માંગી, તેની અર્ચના પૂજા કરી ઔષધીય પદાર્થો ગ્રહણ કરે છે. નાના બાળકોની બાળ સહજ ચેષ્ટા સમજમાં આવે તો પણ, સાંજ પડી બેટા! વનસ્પતિના પાન ન ચૂંટ, તેની ઊંઘમાં ખલેલ ઉત્પન્ન ન કર, તેને કષ્ટ ન દે…જેવી શીખામણ સૌ કોઈ આપે છે. ખેતર ખેડતાં પહેલાં, ઘરનો પાયો ખોદતા પહેલાં ભૂમિ પૂજન કરવાની પરંપરા વર્ષોથી વિદ્યમાન છે.
પર્યાવરણ સંબંધીત નાગરિક કર્તવ્યોનું સમયે સમયે સ્મરણ રહે તે હેતુ આપણા સમાજે ભગવાન દેવાધિદેવ શંકર દ્વારા વિષપાન, શીબીરાજા અને કબૂતર-બાજનો પ્રસંગ, શ્રીરામ અને ગીધરાજ જટાયુ સાથેનો સંબંધ, શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલ વિભૂતિ યોગ, ગાયના રક્ષણ માટેના વીરોના બલિદાનોની ગાથાઓમાં રહેલ પ્રકૃતિ પ્રેમ, પ્રકૃતિ રક્ષા, પ્રકૃતિ સન્માન અને પ્રકૃતિનું આત્મસાતિકરણ સાથે સૌના કલ્યાણના પવિત્ર વિચારોને વિવિધ સ્વરૂપે સૌ સમક્ષ પ્રસ્તુત કરી નાગરિક પ્રબોધન કરવાની રચના વિકસિત કરી છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’, ‘પ્રકૃતિનું શોષણ નહીં દોહન કરો’, ‘છોડમાં રણછોડ’ વગેરે કહેવતોમાં આપનો પર્યાવરણ સુરક્ષાનો દ્રઠ સંકલ્પ દ્રષ્ટિગોચર થાય છે.
સમયનું ચક્ર સતત ગુમતું રહે છે અને તેની અસર આપણા સમાજ પર પણ જોવા મળી રહી છે. આપણી પર્યાવરણ પ્રત્યેની આદર્શ જીવનપદ્ધતિ યુક્ત સંસ્કૃતિ પર આજે પશ્ચિમી ભોગવાદી શોષણ યુક્ત વિકૃતિની અસર જોવા મળી રહી છે. જેનાથી પ્રકૃતિપૂજક એવા આપણા થકી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે પર્યાવરણનું અપાર નુકસાન થઈ રહ્યું છે, જે આપણી પ્રકૃતિથી વિરૂદ્ધ છે. આપણે આપણા સર્વ મંગલકારી ભારતીય સનાતન હિન્દુ જીવનદર્શન-તત્ત્વજ્ઞાનને યાદ કરી પુન: આદર્શ જીવન વ્યવહાર આચરણે સૌના પર્યાવરણને સ્વસ્થ અને સુરક્ષિત બનાવીએ.
પ્રાકૃતિક સંશાધનોને આપણા ખપ પૂરતા જ ઉપયોગ કરીએ. વણ જોઈતું નવ સંઘરવું. ઓછી વિજળી વપરાય તેવા ઉપકરણોનો ઉપયોગ કરીએ અને વણ જોઈતી વીજળીનો વ્યય ન કરીએ.
આતિથ્ય સત્કાર કરતાં શરૂઆતમાં સૌને અડધું પવાલું પાણી પીવા આપીએ. આવશ્યકતા અનુસાર પછી વધારે આપીએ. પરબ બનાવનાર આપણે કંજુસ નથી, પણ આખું પવાલું આપી વણ વપરાયેલ બાકી રહેલ અધૂરા પાણીને ફેંકી દેનાર એવા અજ્ઞાની પણ નથી. સિદ્ધ થયું છે કે સ્નાન કરવા માટે એક ડોલ પાણી પર્યાપ્ત છે, આ વાતને સમજીએ. ટપકતા નળ દુરસ્ત કરીએ. વપરાયેલ પાણીનો પણ યોગ્ય કાર્યમાં ઉપયોગ કરીએ જેમકે રસોડાનું પાણી બગીચામાં, પીવાનું પાણી નિર્માણ કરતાં નીકળી જતું પાણી વાસણ અને ઘર સફાઈકાર્યમાં ઉપયોગમાં લઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરીએ અને સાથે સાથે રીચાર્જીંગ કૂવા બનાવી પૃથ્વીમાતાને પાણીથી ભરપૂર રાખીએ.
સુજલામ-સુફલામ-શીતલામ વંદનીય પુણ્યભૂમિ ભારતમાતાના સંતાન આપણે પશુપક્ષી, વટેમાર્ગુ, અભાવગ્રસ્ત જનોને ઉપયોગી બને તેવાં છાંયાદાર-ફળાઉ તેમજ ઔષધીય વનસ્પતિઓને ઉગાડી પર્યાવરણને પ્રાણવાન બનાવીએ. પક્ષીઘર, પશુઓ માટે ભોજનપાત્ર વગેરે જેવી સુવિધાઓ સ્થાન સ્થાન પર સ્થાપિત કરી કોઈ નિરાશ્રિત કે ભૂખ્યાં ન રહે તેની ચિંતા કરીએ.
હાનિકારક રાસાયણોથી પૃથ્વી અને ખાદ્યપદાર્થોને મુક્ત રાખી પ્રાકૃતિક સાત્ત્વિક ખોરાક પણ માપસર આરોગી તેમજ જંકફૂડ ફાસ્ટફૂડથી દૂર રહી સ્વસ્થ્ય રહી રાષ્ટ્રના વિકાસમાં અને પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપીએ. ખાદ્ય પદાર્થો યુક્ત કચરામાંથી જૈવિક ખાતર બનાવી તેનો સકારાત્મક ઉપયોગ કરી ઘરે શાક, ભાજી અને મનભાવન ફૂલછોડ વાવીએ.
જેમ આપણા ઘરને પરિશ્રમ અને ખંત પૂર્વક સાફસુથરું રાખીએ છીએ તેમ પૃથ્વી પણ આપણું ઘર છે તેને પણ આપણે સ્વચ્છ રાખીએ. ઘરેલું કચરાનું વર્ગીકરણ કરી તેને અલગ કરી, તેની નિકાલ વ્યવસ્થામાં સહયોગ આપીએ. કંઈ આ યાદ આવ્યું…स्वच्छ भारत का इरादा, इरादा कर लिया हमने…जाग उठेंगे भाग्य हमारे स्वच्छ बनेगा ये भारत।
જાહેર પરિવહનના ઉપયોગ કરવો, સાયકલ દ્વારા કે ચાલતાં જઈ નજીકના કામો પૂર્ણ કરવા, વાહનોના મર્યાદિત હોર્ન વગાડવો જેવા કાર્યો કરી ઝેરી વાયુ અને ઘોંઘાટથી થતા પ્રદૂષણને અટકાવી પ્રાણવાયુથી સમૃદ્ધ નિર્મળ સ્વચ્છ હવા યુક્ત અને નિરવ શાંતિમય વાતાવરણનું નિર્માણ કરીએ.
બાયોગેસ, સોલર પેનલ, રીચાર્જીંગ વેલ વગેરેને અપનાવી પર્યાવરણ સુરક્ષામાં સહભાગી બને તે દેશનો જાગૃત નાગરિક છે. આ સંબંધીત સરકારની યોજનાઓનો લાભ લેવો જોઈએ.
પર્યાવરણ તેમજ આપણા શરીરને હાનિકારક એવા પ્લાસ્ટિકને વિવેક અને સમજદારી પૂર્વક આપણા જીવનમાંથી દૂર કરીએ. ક્યાંક ન છૂટકે પણ ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકને પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ઈકોબ્રિક્સ બનાવી, તેનો યોગ્ય નિકાલ કરી, રીસાઈક્લીંગ પદ્ધતિ મારફતે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને અટકાવીએ. કચરો જ્યાં ત્યાં ન ફેંકતા જાહેર સ્થાનો પર ઉપલબ્ધ કચરાપેટીમાં જ તેનો નિકાલ કરીએ.
ભારતમાતાના કોટિ કોટિ સંતાનો થકી હજારો વર્ષોથી પર્યાવરણ સુરક્ષા માટે અવિરત થઈ રહેલ નાના નાના પણ સર્વોત્તમ કાર્યો અને પ્રયોગોને સૃષ્ટિ સમષ્ટિના સુંદર સુખમય ભવિષ્ય માટે વર્તમાનમાં આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે સઘન રૂપે અવિરામ કરતા રહી તેને આગળ ધપાવવાનું નાગરિક કર્તવ્ય નિભાવતા રહીએ એ જ આજનો યુગધર્મ છે, શાશ્વત ધર્મ છે કે જે સૌ માટે અનેક રીતે લાભકારી કલ્યાણકારી મંગલકારી છે.
વિશ્વ જ્યારે પર્યાવરણને લઈ ખૂબ જ ચિંતિત અને પોતાને નિ:સહાય અનુભવ કરી રહ્યું છે ત્યારે વર્ષો પૂર્વે આપણા પૂર્વજો રચિત અથર્વવેદના ભૂમિ સૂક્તની અંદર વર્ણવીત પર્યાવરણ સંકલ્પના અને તે પ્રત્યેના માનવીય અભિગમને સ્મરણ કરી કરાવી આપણા સ્વયંના વ્યવહારથી વિશ્વને આ સમસ્યાનો ઉકેલ બતાવવા ભારતવાસીઓ સક્ષમ અને સમર્થ છે.
પોતાનો વિચાર ન કરતાં ईशावास्यम् इदं सर्वम् , माता भूमि पुत्रो अहं पृथिव्या: અને वसुधैव कुटुंबकम् ને માનનાર ભારતનો પ્રત્યેક નાગરિક પોતાના આચરણ થકી પર્યાવરણીય કર્તવ્યનું પાલન કરી વિશ્વના લોકોને જરૂર શ્રદ્ધા વિશ્વાસ અપાવશે કે ભારતીય જીવનદર્શન જ સર્વ શ્રેષ્ઠ અને વિશ્વ કલ્યાણકારી છે તેમજ તે થકી જ પર્યાવરણની રક્ષા જ નહી પર્યાવરણનું સંવર્ધન થશે.
જલ સંરક્ષણ, જમીન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને જીવ સંરક્ષણ એ આપણું નાગરિક કર્તવ્ય છે, માનવીય ધર્મ છે. આપણું ઘર હરિત ઘર બને આ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ, બસ खुद से ही करनी होगी शुरुआत। विश्व कहेगा जय भारत।