
ગુરુગ્રામ: ગુરુગ્રામમાં વહેલી સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 3 યુવતી સહિત પાંચ વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના ગુરુગ્રામમાં શનિવાર વહેલી સવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પરથી એક્ઝિટ લેતી વખતે થાર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. કારમાં 3 યુવતીઓ અને 3 યુવકો સવાર હતા. સવારે આશરે 4:30 વાગ્યે આ બનાવ બન્યો હતો. ઘટનાસ્થળે જ 2 યુવકો અને 3 યુવતીના મોત થયા હતા, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બધા યુપીથી ગુરુગ્રામ કોઈ કામે જઈ રહ્યાં હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને કબ્જે લઈને કાર્યવાહી શરૂ કરી હતી. એક યુવતીની ઓળખ પ્રતિષ્ઠા મિશ્રા તરીકે થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં દરરોજ સેકડો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમ છતાં વાહનચાલકોએ ઘણી વાર બેદરકારી દાખવીને પોતાનું જીવન તેમજ અન્ય લોકોના પરિવારને જોખમમાં મૂકી દેતા હોય છે. ગુરુગ્રામના આ થાર અકસ્માતે ફરી એકવાર યાદ અપાવ્યું છે કે વાહન ચલાવતી વખતે સંપૂર્ણ સાવચેત રહેવું જોઈએ અને જીવનને જોખમમાં ન મૂકી એ જ સાચી સમજદારી છે.