
ભારતમાં સાયબર ક્રાઇમમાં 31 ટકાનો ઉછાળો : NCRBના ચોંકાવનારા આંકડા
નવી દિલ્હી : દેશમાં સાયબર ક્રાઇમનો ખતરો સતત વધી રહ્યો છે. નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ, વર્ષ 2023 દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 31.2 ટકાનો વધારો નોંધાયો છે. 2022માં 65,893 કેસ નોંધાયા હતા, જે 2023માં વધીને 86,420 સુધી પહોંચ્યા છે.
રિપોર્ટ મુજબ, સાયબર ક્રાઇમમાં સૌથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી 68.9 ટકા એટલે કે 59,526 કેસ છેતરપિંડીના છે. તેના સિવાય 4,199 કેસ ઓનલાઇન જાતીય શોષણના અને 3,326 કેસ જબરદસ્તી પૈસા વસૂલવાના નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હકીકતમાં ઘણા કેસ રજિસ્ટર જ થતાં નથી, તેથી આંકડા હજી વધુ ચિંતાજનક હોઈ શકે છે.
રાજ્યોની વાત કરીએ તો, કર્ણાટક સાયબર ક્રાઇમના કેસોમાં દેશભરમાં પ્રથમ ક્રમે છે. અહીં 2023માં કુલ 21,889 કેસ નોંધાયા હતા, જ્યારે 2021માં 8,136 અને 2022માં 12,556 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં સૌથી વધુ 18,166 કેસ અન્ય વ્યક્તિની નકલ કરીને પૈસા પડાવવાના હતા, જ્યારે એક હજાર કેસમાં અશ્લીલ વીડિયો મોકલીને બ્લેકમેઈલિંગ કરવામાં આવી હતી. તે પછી તેલંગાણા બીજા ક્રમે છે, જ્યાં 2022માં 15,297 કેસ હતાં, જે 2023માં વધીને 18,236 થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ 10,794 કેસ સાથે ત્રીજા ક્રમે છે.
NCRBના રિપોર્ટ અનુસાર, પૈસાથી જોડાયેલા છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં આવા કેસ 2022ના 1,93,385માંથી 2023માં વધીને 2,04,973 થયા છે, જો કે આ તમામ કેસ ઓનલાઇન નથી અને તેથી સાયબર ક્રાઇમના આંકડામાં સામેલ નથી. ડિજિટલ યુગમાં આ આંકડાઓ ચિંતાજનક છે અને નિષ્ણાતોનું માનવું છે કે દેશની સાયબર સિક્યોરિટીમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.