 
                                    - GST સુધારા, મેક ઇન ઈન્ડિયા, હર ઘર સ્વદેશી વિષયો પર 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા,
- વિશ્વમાં પ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખાયા
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં 1 કરોડ 11 લાખ 75 હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. 14 ઓક્ટોબર, 2025ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા “Guinness World Records Recognition for Largest Postcard Numbers” એટલે કે “વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન” રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ, વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે, તેમ સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા સચિવએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાનને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં GST સુધારા, મેક ઇન ઈન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના, તમામ નાગરિકોના નાણાકીય સમાવેશીકરણ, બુલેટ ટ્રેનની શરૂઆત, વગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.
સચિવએ કહ્યું હતું કે, જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી ટીપે ટીપે સરોવર ભરાય એમ અંદાજિત 75 લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી, ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-2021માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક-સામાજિક ઉન્નતિનું વિશેષ કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

