
- ડિગ્રી ઇજનેરી કોલેજના 216 અને ડિપ્લોમા કોલેજના 364 અધ્યાપકોને લાભ મળશે,
- સરકારના નિર્ણયથી 2004 પહેલાના અધ્યાપકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકશે,
- એડહોક અધ્યાપકોને લાંબા ગાળાના વહીવટી અને નાણાકીય લાભો પણ પ્રાપ્ત થશે,
અમદાવાદ: રાજ્યમાં ટેકનીકલ શિક્ષણના 580 અધ્યાપકો માટે એડહોક સેવા, રજા અને પેન્શન અંગે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઈને અધ્યાપકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રના ડિગ્રી ઇજનેરી કોલેજના 216 અને ડિપ્લોમા કોલેજના 364 એમ કુલ 580 અધ્યાપકો માટે એડહોક સેવા, રજા તથા પેન્શન લાગુ પાડવાનો હકારાત્મક ઠરાવ અમલમાં મૂક્યો છે. આ નિર્ણય અધ્યાપકોના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે. આમા અમુક અઘ્યાપકો તો નિવૃત થયેલ છે કે અમુક અઘ્યાપકોનું અવસાન પણ થઈ ગયેલું છે. એટલે કે અમુક અઘ્યાપકોને 40 વર્ષ પછી પણ શિક્ષણ વિભાગ દ્વારા હકારાત્મક નિર્ણય લઈ ન્યાય આપવામાં આવ્યો છે.
આ અંગે સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળના મહામંત્રી ડોક્ટર પંકજ પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તા. 13 ઑક્ટોબર, 2025ના રોજ જાહેર કરાયેલા આ ઠરાવ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ટેકનીકલ શિક્ષણ મંત્રી, સામાન્ય પ્રશાસન (GAD) અને નાણાં વિભાગના અધિકારીઓએ સંકલિત પ્રયાસો કર્યા હતા. આ ઠરાવના અમલથી 2004 પહેલા સેવામાં જોડાયેલા અધ્યાપકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશનો લાભ મળવાની શક્યતા વધી ગઈ છે. જેનાથી તેમને મોટી રાહત મળશે. સાથે જ રાજ્યની ટેકનિકલ સંસ્થાઓમાં કાર્યરત અન્ય એડહોક અધ્યાપકોને લાંબા ગાળાના વહીવટી અને નાણાકીય લાભો પણ પ્રાપ્ત થશે.
અધ્યાપક મંડળના કહેવા મુજબ સરકારના આ નિર્ણય ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ તથા શિક્ષકો માટે લાંબા સમયથી અપેક્ષિત બનાવ છે. 2004 પહેલાં જોડાયેલા આધ્યાપકોને જૂની પેન્શન યોજનાનો સમાવેશ આપવામાં આવવાથી તેમને ન્યાય મળે છે અને આ તત્વ તેમની જીવન વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવશે.
ઉલ્લેખનીય છે કે 7 ઑક્ટોબર, 2025ના રોજ મંડળ સાથે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. CTEના I/C કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા અવસાન પામેલા અધ્યાપકો માટે CAS પ્રક્રિયા ઓફલાઈન સ્વીકારવાની માગણી સ્વીકારવામાં આવી હતી.