- પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ,
- વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે ભાવિકોને અનુરોધ કરાયો,
- આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે,
જૂનાગઢઃ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે, આગામી તા. 2/11/2025ના રોજ લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે 36 કિલોમીટરના જંગલ માર્ગ પર ચાલીને પરિક્રમા પૂર્ણ કરશે. દર વર્ષે યોજાતી આ પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીઓના ભાગરૂપે, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા પોલીસ વડા અને ડીસીએફ સહિતના અધિકારીઓ સાથે પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટરના રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. વહિવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, તેમજ આરોગ્ય વિભાગ, પોલીસ અને વન વિભાગના સંબંધિત અધિકારીઓએ સરકડીયાથી બોરદેવી સુધીના કઠિન ચઢાણવાળા માર્ગ પર ચાલીને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી શરૂ કરીને ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા, બોરદેવી અને અંતિમ દ્વાર ભવનાથ સુધી ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટની તપાસ કરી હતી. આ દરમિયાન પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી.
લીલી પરિક્રમાના લાખો ભાવિકો માટે પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ, અને સુરક્ષા સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પરિક્રમાના રૂટ પરના જળ સ્ત્રોતો અને જંગલના પર્યાવરણને શુદ્ધ રાખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા આ વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા – 2025’ માટે ભાવિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પરિક્રમાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, જેથી જંગલનું અમૂલ્ય પર્યાવરણ અને કુદરતી જળ સ્ત્રોત દૂષિત ન થાય. આ પ્રયાસો ગિરનારના પવિત્ર જંગલને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદરૂપ થશે.
દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી આ લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. પરિક્રમા દરમિયાન 15 લાખથી વધુ ભાવિકો આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને વન વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે, જ્યારે સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રો પણ શ્રદ્ધાળુઓને ભોજન અને અન્ય સેવાઓ પૂરી પાડવા માટે સજ્જ થઈ રહ્યા છે.
પરિક્રમાનો આ કઠિન માર્ગ ભક્તોને ધર્મની સાથે પ્રકૃતિનો અનુભવ પણ કરાવે છે. તંત્ર દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે, જેથી આ આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે.


