 
                                    દાઉદ ઈબ્રાહિમને જીવનમાં ક્યારેય જોયો નથીઃ મમતા કુલકર્ણી
ગોરખપુર: 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અને હવે સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ગોરખપુરના પીપીગંજ ખાતે યોજાયેલા કિન્નર અખાડાના છઠ્ઠ ભજન કાર્યક્રમમાં હાજર રહેલી મમતાએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
મમતાએ કહ્યું, “મારો દાઉદ ઇબ્રાહિમ સાથે દૂર સુધી કોઈ સંબંધ નહોતો. હું ક્યારેય કોઈ આતંકવાદીને મળી નથી અને દાઉદને જીવનમાં ક્યારેય જોયો નથી.” તેમના આ નિવેદન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે મમતાએ પોતાના નિવેદનમાં વિક્કી ગોસ્વામી તરફ ઈશારો કર્યો હતો, વિક્કી ગોસ્વામી સાથે અભિનેત્રીનું નામ લાંબા સમય સુધી જોડાતું રહ્યું હતું.
મમતાએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વિક્કીના બિઝનેસ કે ડ્રગ્સ તસ્કરીના કેસોમાં તેમનો કોઈ સંબંધ નહોતો અને તે બાબતોની તેમને જાણ પણ નહોતી. એક સમયની બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે મહામંડલેશ્વર યમાઈ મમતા નંદગિરી તરીકે ઓળખાય છે. તેઓ હવે આધ્યાત્મિક જીવન જીવી રહી છે અને વિવાદોથી દૂર રહીને ભક્તિ અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન મમતાની સાથે મહામંડલેશ્વર લક્ષ્મી કિન્નર અને કનકેશ્વરી નંદ ગિરી (કિરણ બાબા) પણ હાજર રહ્યા હતા. મમતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “મેં ફિલ્મો અને ગ્લેમરથી દૂર થઈને મારું આખું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું છે. હવે હું માત્ર શાંતિ અને ભક્તિના માર્ગ પર જ ચાલું છું.”
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

