1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાંએ કર્યો હુમલો, બચકા ભરતા બાળકની હાલત ગંભીર
સુરતમાં 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાંએ કર્યો હુમલો, બચકા ભરતા બાળકની હાલત ગંભીર

સુરતમાં 5 વર્ષના બાળક પર શ્વાનના ટોળાંએ કર્યો હુમલો, બચકા ભરતા બાળકની હાલત ગંભીર

0
Social Share
  • સુરતના સચિન વિસ્તારમાં બન્યો બનાવ,
  • બાળક પર 20થી વધુ બચકાના નિશાનો,
  • બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

સુરતઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રખડતા કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. અમદાવાદમાં એક જ દિવસમાં ડોગ બાઈટના 5 બનાવો બન્યા બાદ સુરતમાં એક 5 વર્ષિય બાળક પર 4 કૂતરાએ એક સાથે હુમલો કરીને બચકા ભરતા બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરત શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. પણ મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

સુરત શહેરના સચિન વિસ્તારમાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  સચિન વિસ્તારમાં 5 વર્ષીય બાળક શીવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને 20થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં શીવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.

સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મ્યુનિ.કોર્પોરેશનની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code