1. Home
  2. ગુજરાતી
  3. ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે
ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે

ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે

0
Social Share

નવી દિલ્હી: ઓનલાઈન રિયલ-મની ગેમિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવીટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પર પ્રતિબંધ માત્ર લત અથવા આર્થિક નુકસાનની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉભા થયેલા ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, અનિયંત્રિત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ ટેરર ફંડિંગ, મની લોન્ડ્રિંગ, ટેક્સ ચોરી અને હવાલા નેટવર્ક જેવા ગંભીર ગુનાઓ સાથે સીધે-સીધા જોડાયેલા મળી આવ્યા છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અનેક ઓફશોર કંપનીઓ, શંકાસ્પદ ડિજિટલ વોલેટ્સ અને ક્રિપ્ટો ચેનલો મારફતે મોટી રકમ ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવી હતી. સરકારે કોર્ટને જાણકારી આપી કે, જરૂર પડે તો તે સીલબંધ કવરમાં કેટલીક ગુપ્ત માહિતી પણ રજૂ કરવા માટે તૈયાર છે. સરકારના મુજબ, STR (Suspicious Transaction Reports), ક્રોસ-બોર્ડર ટ્રાન્સફર અને વિવિધ એજન્સીઓની તપાસમાં મળી આવેલી જાણકારી એકબીજા સાથે મેળ ખાતી જોવા મળી છે. તપાસમાં ખુલ્યું છે કે ઘણી ગેમિંગ કંપનીઓ *મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા એકત્ર થયેલી રકમને નાના ભાગોમાં વહેંચીને વિદેશ મોકલે છે જેથી પૈસાનો મૂળ સ્ત્રોત છુપાઈ જાય છે. આ સમગ્ર નેટવર્કના આતંકવાદ સાથેના જોડાણો અનેક મંત્રાલય અને કેન્દ્રિય એજન્સીઓએ અલગ-અલગ સ્તરે ઓળખ્યા છે.

સરકારના એફિડેવિટમાં ચોંકાવનારી વાત એ છે કે ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ્સ હવે ડ્રગ ટ્રાફિકિંગ, સાઈબર ફ્રોડ, માનવ તસ્કરી અને હથિયારોની તસ્કરીની ગેરકાયદે આવકને સાફ કરવાનો સરળ રસ્તો બન્યાં છે. અપરાધી ગેંગ આ એપ્સને “ડિજિટલ વોશિંગ-મશીન” તરીકે ઉપયોગ કરે છે, જેમાં કાળા નાણાંને ગેમિંગ ટ્રાન્ઝેક્શનમાં મિક્સ કરીને તેનો સ્ત્રોત પૂરી રીતે નાબૂદ કરી દેવામાં આવે છે.

સરકારના જણાવ્યા મુજબ, અનિયંત્રિત રિયલ-મની ગેમિંગ માત્ર યુવાનોને ખતરામાં મુકતું નથી, પરંતુ દેશની નાણાકીય વ્યવસ્થાને પણ અસ્થિર બનાવે છે. આવા પ્લેટફોર્મ્સથી પરિવાર બરબાદ થઈ રહ્યા છે,  યુવાનો આર્થિક અને માનસિક જોખમમાં ફસાઈ રહ્યા છે, અને રાષ્ટ્રીય સુરક્ષા પર સતત ખતરો વધતો જાય છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રિયલ-મની ઓનલાઇન ગેમિંગ હવે માત્ર મનોરંજન ઉદ્યોગ નહીં, પરંતુ સાઇબર-આર્થિક જોખમનો ઉભરતો ખતરો છે, જેને અટકાવવું અત્યંત આવશ્યક છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code