- બાળકને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો,
- બે હિંસક રખડતા શ્વાનોએ 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો,
- શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય
સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના ભાઠેના વિસ્તારમાં છ વર્ષના એક બાળક પર બે રખડતા કૂતરાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
આ બનાવની વિગત એવી છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે છ વર્ષીય અર્જુન ગુડ્ડુ નીનામા પરિવાર સાથે રહે છે. માતા અને પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. માતા પિતા બાળક સાથે ભાઠેના વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા. બાળકના માતા-પિતા ટ્રેક્ટરમાંથી રોડા ખાલી કરીને જમી રહ્યા હતા, છ વર્ષિય બાળક નજીકમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક બે હિંસક કૂતરાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. કૂતરાના હુમલાથી બાળકને મુખ્યત્વે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં ટાંકા લેવા પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત, તેના ગળા અને પગના ભાગે પણ 20થી વધુ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની ગંભીર હાલત જોતાં, વધુ સારવાર માટે તેને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો છે
સુરત શહેરમાં રખડતા કૂતરાના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ સામે સુરત મ્યુનિ.કોર્પોરેશનું તંત્ર નિષ્ક્રિય છે. જાહેર રસ્તાઓ પર રખડતા કૂતરાને નિયંત્રણમાં લેવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી.


