- રાતના સમયે ગેસ લિકેજ જેવી દૂર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન
- સ્થનિક લોકો આંખેમાં બળતરાની ફરિયાદો કરી રહ્યા છે
- જીપીસીબી દ્વારા કોઈ પગલા લેવાતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
વડોદરાઃ ઔદ્યાગિક નગરી ગણાતા વડોદરા શહેરમાં પ્રદૂષણ વધતું જાય છે. શહેરના છાણી વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે. જેના લીધે સમીસાંજે અને રાતભર ગેસની દૂર્ગંધ, આખોની બળતરાની ફરિયાદો ઊઠી છે. પ્રદૂષણ એટલું હોય છે કે, લાકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. તાજેતરમાં તરુણ નગર વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ આવતા ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં અને ગળામાં બળતરા થવાની ફરિયાદો કરી હતી. વધતા જતા ઔદ્યોગિક પ્રદૂષણ સામે ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ નિષ્ક્રિય છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મોડી રાત્રે ગેસની ભારે દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભયભીત નાગરિકોએ ગેસ લીકેજ બાબતે સ્થાનિક મહિલા કાઉન્સિલર સમક્ષ ફરિયાદો કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. જ્યારે બીજી બાજુ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના કર્મચારીઓએ વિસ્તારના સ્થાનિક રહીશોના ઘરે ઘરે જઈને ગેસ લાઇન અને ગેસ સિલિન્ડર પણ ચેક કર્યા કર્યા હતા. તપાસ દરમિયાન જોકે ક્યાંયે લીકેજ મળી આવ્યું ન હતું. દરમિયાન ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ એક કંપની તરફથી આવતી હોવાના આક્ષેપ સ્થાનિક મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલા દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે ગેસ લીકેજ થવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરનારા સામે જીપીસીબીની ભૂમિકાને પણ મહિલા કાઉન્સિલરે વખોડી હતી.
છાણી વિસ્તારમાં ગેસની દુર્ગંધ અને લીકેજ થવાની ઘટના અગાઉ પણ કેટલી વાર સર્જાઈ હતી. આ ગેસ લીકેજ પહેલીવાર સર્જાઈ નથી. આ પહેલા પણ આ વિસ્તારમાં અનેકવાર અલગ અલગ સોસાયટીઓમાંથી પણ ગેસ લીકેજ થતા આંખોમાં બળતરા અને દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફોની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ઉચ્ચસ્તરે ફરિયાદો પણ થઈ હોવા છતાં ગેસ લીકેજ થવાની વારંવારની અગાઉની ફરિયાદો સહિત હાલની સમસ્યા અંગે પણ ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક પરિણામ આવ્યું નહિ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.


