જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા સાથે આવેલો કિશોર રૂપિયા 3.13 લાખના દાગીના ઉઠાવી ગયો
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: teenager steals jewellery worth Rs 3.13 lakh શહેરના આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સોનાના દાગીના બતાવવાનું કહીને સેલ્સમેનનું ધ્યાન ભટકાવી, તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાના દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મકરબામાં રહેતા 30 વર્ષીય ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગત 23 નવેમ્બરના રોજ જ્યારે તેઓ દુકાને હાજર હતા, ત્યારે ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકીએ તેમની નજર ચૂકવી 3.13 લાખની કિંમતની સોનાની કાંટીઓ ભરેલી થેલીની ચોરી કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગઈ તા. 23 નવેમ્બર 2025ના રોજ બપોરે આશરે 1.45 વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરૂષ એક 12 વર્ષના બાળક સાથે શો-રૂમમાં પ્રવેશ્યા હતા. તેમણે ભાવેશકુમાર પાસે સોનાની કાંટીઓ જોવાની માંગણી કરી હતી. હજુ તેઓ દાગીના જોઈ રહ્યા હતા ત્યાં જ બીજા એક પુરૂષ અને મહિલા શો-રૂમમાં આવ્યા અને તેમણે ચાંદીનું છતર જોવાની વાત કરી ભાવેશકુમારને વાતોમાં પરોવી દીધા હતા. જ્યારે ભાવેશકુમાર બીજા ગ્રાહકોને દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ ગેંગના સભ્યોએ એકબીજાને ઈશારો કર્યો હતો. ઈશારો મળતાની સાથે જ 12 વર્ષના બાળકે તક ઝડપી લીધી અને કાચના કાઉન્ટર પરથી હાથ નાખીને સોનાના દાગીના ભરેલી એક નાની થેલી સેરવી લીધી હતી. આ કામ પતાવ્યા બાદ, ટોળકી કોઈપણ વસ્તુની ખરીદી કર્યા વગર જ દુકાનમાંથી રવાના થઈ ગઈ હતી. ગ્રાહકો ગયા બાદ જ્યારે ભાવેશકુમારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી, ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ 48 નંગ સોનાની કાંટીઓ ગાયબ હતી, જેની કુલ કિંમત 3,13,040 થાય છે. આ પછી દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં 12 વર્ષના બાળક દ્વારા કરવામાં આવેલી આ ચોરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. ભાવેશકુમાર વતન ગયા હોવાથી પરત ફર્યા બાદ તેમણે આનંદનગર પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ આદરી છે.


