- હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર:99040 01908 ઉપર સંપર્ક કરી શકશે
- ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે.
આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે છે.
ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે.
ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર antfgujarat, X(ટ્વિટર) પ્લેટફોર્મ પર @antfgujarat અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર @antf_gujaratને ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.


