ઓઢવમાં ટ્રક લઈને આવેલા ચોર 1500 કિલો ભંગાર ચોરી ગયા, 3ની ધરપકડ
અમદાવાદ, 27 જાન્યુઆરી 2026: શહેરના ઓઢવ વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાણની રજાઓમાં રાતના સમયે ટ્રક લઈને આવેલા ચોર 1525 કિલો ભંગારની ચોરી કરીને ટ્રક સાથે પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં ઓઢવ પોલીસે ચોરી કરનારા ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ અને ટ્રક સાથે ઝડપી પાડ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાયણની રજાના દિવસોમાં રાતના સમયે એક દુકાનનું તાળુ તોડીને ચોરોએ દુકાનની અંદર રહેલો અલગ અલગ ધાતુનો 1525 કિલો ભંગાર ચોરી કર્યો હતો જેની કિંમત 1.17 લાખ રૂપિયા છે. આરોપીઓ ચોરી કરવા સાથે ટ્રક લઈને આવ્યા હતા અને ચોરીનો માલ ટ્રકમાં ભરીને ટ્રક સાથે નાસી ગયા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે રોહિત પટણી, મહેશ પટણી, કૃણાલ પટણી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણેયે આરોપીઓ સરસપુરના રહેવાસી છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. તેઓ મોજશોખ માટે જ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


