1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંગણવાડીઓમાં આધારશિલા અભ્સાસક્રમને જુન 2026થી અમલી બનાવાશે
આંગણવાડીઓમાં આધારશિલા અભ્સાસક્રમને જુન 2026થી અમલી બનાવાશે

આંગણવાડીઓમાં આધારશિલા અભ્સાસક્રમને જુન 2026થી અમલી બનાવાશે

0
Social Share

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE) કાઉન્સિલની બેઠકમાં રાજ્યની આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ “આધારશિલા” મંજૂર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને સુસંગત આ અભ્યાસક્રમ જૂન ૨૦૨૬-૨૭ ના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE) કાઉન્સિલની બેઠકમાં નવા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ ઉપરાંત બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા “મારી વિકાસ યાત્રા”ને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. ‘આધારશિલા’ અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ સાથે ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્ટેટ કાઉન્સિલની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકરોને આ નવા અભ્યાસક્રમ અને એક્ટિવિટી બેંક મુજબ બાળકોને તૈયાર કરવા માટે સઘન તાલીમ આપવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને ૪ કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું ૨૦૨૨ અને ‘આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન-૨૦૨૩’ ને ધ્યાને રાખીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. “આધારશિલા” અભ્યાસક્રમમાં ખાસ કરીને ‘પંચ કોષ’ ની સંકલ્પના, બાળ વિકાસના વિવિધ ક્ષેત્રો અને સમાવેશી શિક્ષણ (Inclusive Education) પર ભાર મૂકવામાં આવ્યો છે.

યુનિસેફ ગુજરાતના સહયોગથી આયોજિત ૭ કાર્યશાળાઓ દ્વારા આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણામૂર્તિ બલાધ્યાપણ મંદિર ભાવનગર, કચ્છ કલ્યાણ સંઘ અને આગાખાન એજ્યુકેશન સર્વિસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞોએ તેમજ ડૉ. જીગીષા શાસ્ત્રી, ડૉ. નમીત્તા ભટ્ટ, ડૉ. અમિતા ટંડન સાથે પરામર્શ કરી તૈયાર કરવામાં આવ્યું છે.

આ અભ્યાસક્રમમાં આંગણવાડી કાર્યકરો માટે ૪ કલાકના દૈનિક સમયપત્રક મુજબ પ્રવૃત્તિઓનું આયોજન, બાળકો માટે ઉંમર મુજબની ‘પ્રવૃત્તિ પુસ્તિકા’ અને કાર્યકરો માટે ‘એક્ટિવિટી બેંક’ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત અભ્યાસક્રમમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોના વિકાસમાં તેમના વાલીની સહભાગિતા વધારવા માટે દર અઠવાડિયાના અંતે હોમ લર્નિંગ પ્રવૃત્તિઓ અને દર મહિનાના ત્રીજા મંગળવારે “બાળ દિવસ” ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે. રાજ્યસરકારના આ પગલાથી રાજ્યના લાખો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે અને તેમના ભાવિ શિક્ષણનો પાયો મજબૂત થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code