ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026: રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી ૨૫૮ ગ્રામ પંચાયતને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રૂ. ૫.૧૬ કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
પાણી પુરવઠા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ ૧૧ જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં ૫૭ ગામ, જ્યારે તાપીમાં ૫૨, ભરૂચમાં ૨૭, સુરતમાં ૨૫, નવસારીમાં ૨૪, વલસાડમાં ૨૦, બનાસકાંઠામાં ૧૭, ડાંગમાં ૧૬, અરવલ્લીમાં ૧૫, દાહોદમાં ૩ તેમજ પંચમહાલ જિલ્લામાં ૨ એમ કુલ ૨૫૮ ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી ઈશ્વરસિંહે યોજના વિશે કહ્યું હતું કે, આ ગ્રામીણ કક્ષાની આંતરિક પેયજળ પુરવઠા યોજનાઓનું અમલીકરણ ગ્રામ પંચાયત વતી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા હસ્તકના વાસ્મો દ્વારા ‘જલ જીવન મિશન’ અંતર્ગત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં નળ જોડાણની કામગીરી કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે.


