મહેસાણા, 29 ઓગસ્ટ, 2026 : One killed as car crashes into highway side parlor અમદાવાદ-પાલનપુર નેશનલ હાઈવે પર સિદ્ધપુર નજીક હાઈવે સાઈડ પર આવેલા એક હોટલની ચાની કીટલી અને પાન પાર્લરમાં કાર ઘૂંસી જતા ચા બનાવી રહેલો શકીલ ઐયુબ સિપાઈ કચડાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પહેલાં કાર આગળ ગઈ પછી અચાનક રિવર્સમાં આવી અને પાર્લરથી થોડી આગળની તરફ ગઈ. બાદમાં અચાનક ટર્ન મારી કાર પાર્લરમાં ઘૂસી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, સિદ્ધપુર નજીક હાઈવે પર રાજસ્થાન તરફ જતી એક કાર હાઈવે સાઈડ પર આવેલી ચાની કીટલી અને પાન પાર્લરમાં ઘૂંસી ગઈ હતી. કારચાલકના કહેવા મુજબ ઓટોમેટિક કારમાં ભૂલથી એક્સિલેટર દબાઈ જતા કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ચાની કીટલીમાં ઘૂંસી જતા ચા બનાવી રહેલા શકીલ ઐયુબ સિપાઈનું મોત થઈ ગયું હતું
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક સિદ્ધપુરમાં એક હોટેલના પાન પાર્લર પાસે ચા બનાવવાનું કામ કરતો હતો. તેના સાળા આમીનબેગ રસુલબેગ મોગલને રાત્રે ફોન દ્વારા અકસ્માતની જાણ થઈ હતી. સાળાએ તપાસ કરતા જાણવા મળ્યું કે, કારચાલકે ગફલતભરી રીતે કાર હંકારી શકીલને ટક્કર મારી હતી. જેથી શકીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ બંને પગ અને જમણો હાથ ભાંગી ગયો હતો.
આ અકસ્માત અંગે સિદ્ધપુરના PI એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, વડોદરાથી પરિવાર સાથે કારમાં રાજસ્થાન ફરવા જઈ રહેલા હિતેશ મગનલાલ પટેલ રસ્તામાં ચા પીવા માટે રોકાયો હતો. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. બનાવ બન્યા બાદ કારચાલક હિતેશ પોતે સામેથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો.


